નવી દિલ્હીઃ ભારત સરકારે અપનાવેલા કડક વલણને કારણે અમેરિકન માઈક્રોબ્લોગિંગ અને સોશિયલ નેટવર્કિંગ સેવા કંપની ટ્વિટર પર ધારી અસર થઈ છે. એણે વચગાળાના કમ્પ્લાયન્સ (આજ્ઞાપાલન) અધિકારીની નિમણૂક કરી દીધી છે. ભારત સરકારે સોશિયલ મિડિયા કંપનીઓને નિરંકુશ થતી રોકવા માટે અને વાંધાજનક કન્ટેન્ટ માટે જે તે સોશિયલ નેટવર્કિંગ કંપનીને જવાબદારી સ્વીકારાવવા માટે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી માટે નવા કાયદા ઘડ્યા છે. તેનો અમલ કરવાની ટ્વિટર કંપની આનાકાની કરતી હતી. ભારતમાં પોતાનો કમ્પ્લાયન્સ અધિકારી નિમવાનો તેણે ઈનકાર કરી દીધો હતો. પરિણામે મામલો કોર્ટમાં ગયો છે. કોર્ટે ટ્વિટરને ચેતવણી આપી હતી કે તે ભારતના કાયદાઓનું પાલન કરે.
આખરે ટ્વિટરે હવે વચગાળાના કમ્પ્લાયન્સ (આજ્ઞાપાલન) અધિકારીની નિમણૂક કરી છે. કાનૂની અધિકારીની નિમણૂક ન કરવા બદલ ભારતમાં ટ્વિટરે પોતાનું ‘કાયદેસર રક્ષણ’ ગુમાવી દીધું છે. હવે તે ભારતમાં તેના યૂઝર્સની તમામ પ્રકારની કન્ટેન્ટ માટે જવાબદાર બની ગઈ છે. હવે ટ્વિટરના કમ્પ્લાયન્સ અધિકારીએ તમામ પ્રકારની જાણકારી કેન્દ્રીય IT મંત્રાલય સાથે શેર કરતા રહેવું પડશે. સરકારે ટ્વિટરને આખરી ચેતવણી-નોટિસ આપીને જણાવ્યું જ હતું કે જો તે કમ્પ્લાયન્સ અધિકારીની નિમણૂક નહીં કરે તો ભારતમાં IT કાયદા અંતર્ગત તેને ઉત્તરદાયિત્વમાં મળેલી છૂટ પાછી ખેંચી લેવામાં આવશે. આમ, હવે ટ્વિટરે ભારતમાં IT કાયદા તથા અન્ય કાયદેસર કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે. ભારત સરકારે ટ્વિટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ જેવી તમામ મોટી સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સને આદેશ આપ્યો છે કે તેમણે ભારતમાં તેમના યૂઝર્સ દ્વારા પોસ્ટ કરાતી કન્ટેન્ટ માટે જવાબદારી લેવાની રહેશે, અતિરિક્ત ઉપાય કરવાના રહેશે અને મુખ્ય કમ્પ્લાયન્સ અધિકારી, નોડલ અધિકારી અને ફરિયાદ (ગ્રીવન્સ) અધિકારીની નિમણૂક કરવાની રહેશે.
