કોવિડ-રસી લેવા ‘કોવિન’ પર રજિસ્ટર-થવું ફરજિયાત નહીં

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાવાઈરસ મહાબીમારીની બીજી લહેર નબળી પડી ગઈ છે, પરંતુ ખતરો હજી દૂર થયો નથી. રોગચાળા સામે કોરોના-પ્રતિરોધક રસી શ્રેષ્ઠ સુરક્ષા કવચ છે. તેથી ભારતમાં પ્રત્યેક નાગરિક રસી લે એ માટે સરકાર પ્રયત્નશીલ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નાગરિકો માટે સરળતાભર્યું બની રહે એવો એક નિર્ણય લીધો છે. તેણે કોવિન એપ્લિકેશન (CoWIN App) કે વેબસાઈટ પર નામ રજિસ્ટર કરાવવાનું હવે ફરજિયાત રાખ્યું નથી. નવા નિયમ અનુસાર, 18-વર્ષથી વધુની વયની કોઈ પણ વ્યક્તિ પોતાની નજીકના જે રસીકરણ કેન્દ્રમાં ઓન-સાઈટ રજિસ્ટ્રેશન (અથવા વોક-ઈન) પ્રક્રિયા હોય ત્યાં નામ નોંધાવીને એ જ મુલાકાત વખતે રસી લઈ શકે છે. આ માટે સરકારી હેલ્થ વર્કર્સ તથા ‘આશા’ સંસ્થાનાં કાર્યકર્તાઓ ગ્રામીણ વિસ્તારોમાં જઈને લોકોને ઓન-સાઈટ રજિસ્ટ્રેશન માટે જાગૃત કરશે. ઉલ્લેખનીય છે કે દેશમાં હજી ઘણા બધા લોકો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકતા નથી. આને કારણે જ દેશના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના-રસીકરણ ઝુંબેશમાં ગતિ ધીમી છે. ભારતમાં કોરોના-રસીકરણ ઝુંબેશ શરૂ કર્યાને 150 દિવસ પૂરા થઈ ગયા છે.