નવી દિલ્હીઃ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ટ્વિટર ફરી એક વાર વિવાદમાં છે. ટ્વિટરના ભૂતપૂર્વ CEO જેક ડોર્સીએ એક ઇન્ટરવ્યુમાં કેન્દ્ર સરકાર અનેક ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે ખેડૂત આંદોલન દરમ્યાન તેમના પર દબાણ કરવામાં આવ્યું હતું કે એ એકાઉન્ટ્સને બંધ કરી દેવામાં આવે, જે ખેડૂત આંદોલનને સપોર્ટ કરી રહ્યા હતા અથવા સરકારની વિરુદ્ધ સતત નિવેદનબાજી કરી રહ્યાં હતાં. આ મામલાને લઈને ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સામસામે નિવેદનો કરી રહ્યા છે.
આ એક નિવેદન પછી કોંગ્રેસ મોદી સરકાર પર તીખો હુમલો કર્યો હતો અને એને ફ્રીડમની હત્યા કહી હતી, પણ કેન્દ્રનું વલણ આ બાબતે એકદમ અલગ છે. એનું સ્પષ્ટ કહેવું છે કે જૈક ડોર્સીના સમયમાં ટ્વિટર અનેક નિયમોનું ઉલ્લંઘન કરતી હતી, આવામાં એની સાથે ટશન ચાલી રહી હતી.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણપ્રધાન અનુરાગ ઠાકુરે ટ્વિટરના સહસંસ્થાપક જેક ડોર્સીને ભારત દ્વારા દબાણ કરવાને મુદ્દે આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું હતું કે તેમણે જે કંઈ પણ કહ્યું છે, એ સફેદ જૂઠ છે. વર્ષો પછી ડોર્સી તેમનાં કાળાં કરતૂતો પર પડદો નાખવા માગે છે. જ્યારે અન્ય વ્યક્તિ દ્વારા ટ્વિટર ખરીદવામાં આવી, ત્યારે ટ્વિટર ફાઇલ્સમાં ખુલાસો થયો હતો કે કઈ રીતે પ્લેટફોર્મ્સનો દુરુપયોગ કરવામાં આવતો હતો અને પક્ષપાત કરવામાં આવતો હતો. જ્યારે ભારતમાં ચૂંટણી આવે છે, ત્યારે કેટલીય વિદેશી તાકાતો જાગે છે. તેમનો પ્રયાસ છે કે વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં અવરોધ પેદા કરવાનો છે.