નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઈટ અને નરેન્દ્ર મોદી મોબાઈલ એપનો ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યો છે. ગઈ રાતે 3.16 વાગ્યે હેકરે પીએમ મોદીના ટ્વિટર એકાઉન્ટ પરથી જ ટ્વીટ કરીને હેકિંગની જાહેરાત કરી હતી.
મોદીના ટ્વિટર એકાઉન્ટને જોન વિક ગ્રુપે હેક કર્યો છે. હેક કરનારાઓએ કોવિડ-19 રિલીફ ફંડ માટે દાનમાં બિટક્વોઈનની માગણી કરી છે.
ઉલ્લેખનીય છે કે એ ટ્વીટ્સ તરત જ ડિલીટ કરી દેવામાં આવ્યા હતા.
એકાઉન્ટ પર લખાયેલા એક મેસેજમાં આમ વંચાતું હતુંઃ હું આપ સહુને અપીલ કરું છું કે કોવિડ-19 માટે બનાવેલા પીએમ મોદી રિલીઝ ફંડમાં દાન કરો. આ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઈટનો ટ્વિટર એકાઉન્ટ છે અને એને 25 લાખથી વધારે લોકો ફોલો કરે છે.
ઉલ્લેખનીય છે કે પેટીએમ મોલની ડેટા ચોરીના કેસમાં પણ જોન વિક ગ્રુપનું નામ ચમક્યું હતું. સાઈબર સિક્યોરિટી કંપની સાઈબલ દ્વારા પાંચ દિવસ પહેલાં જ એવો દાવો કરાયો હતો કે જોન વિક ગ્રુપે પેટીએમ મોલની ડેટા ચોરી લીધી છે.
સાઈબલનો એવો પણ દાવો હતો કે હેકર ગ્રુપે ખંડણીની માગણી કરી હતી. પરંતુ, પેટીએમ દ્વારા તમામ આરોપનું ખંડન કરાયું હતું અને નિવેદનમાં બહાર પાડીને કહ્યું હતું કે ડેટા ચોરીની કોઈ ઘટના બની નથી.
ટ્વિટરે સમર્થન આપ્યું
ટ્વિટર કંપનીએ મોદીનો એકાઉન્ટ હેક કરાયો હોવાના સમાચારને સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે એકાઉન્ટને સુરક્ષિત કરવાના પગલાં લેવામાં આવ્યા છે.
ટ્વિટરના એક પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, અમને આ ઘટનાની ખબર પડી છે અને તે એકાઉન્ટને સુરક્ષિત કરવાના પગલાં લેવામાં આવ્યા છે. અમે આ ઘટનામાં સક્રિય રીતે તપાસ પણ કરી રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે ગયા જુલાઈમાં દુનિયાભરના અનેક નામાંકિત લોકોના ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યા હતા. એમાં અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા, આગામી યૂએસ પ્રમુખપદ ચૂંટણીના ઉમેદવાર જો બિડેન, અબજોપતિ એલન મસ્કનો સમાવેશ થાય છે.
હેકર્સે નામાંકિત વ્યક્તિઓના એકાઉન્ટનો એક્સેસ મેળવવા માટે સોશિયલ મિડિયા કંપની ટ્વિટરની આંતરિક સિસ્ટમ્સમાં ઘૂસણખોરી કરી હતી.