ત્રણ વાર તલાક બોલીને પત્નીને છૂટાછેડા આપનાર જેલમાં જશેઃ મોદી કેબિનેટે ખરડો મંજૂર કર્યો

નવી દિલ્હી – કેન્દ્રીય પ્રધાનમંડળે મુસ્લિમ સમુદાયમાં પુરુષો દ્વારા ત્રણ વાર તલાક શબ્દ બોલીને પત્નીને છૂટાછેડા આપવાની પ્રથા પર પ્રતિબંધ મૂકતા ખરડાને આજે મંજૂરી આપી દીધી છે. આ ખરડા અંતર્ગત ટ્રિપલ તલાક લેવાને ગુનો જાહેર કરવામાં આવ્યો છે.

હવે આ ખરડાને આજથી સંસદમાં શરૂ થયેલા શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે.

મુસ્લિમ મહિલાઓ (લગ્ન અંગેના અધિકારોનું રક્ષણ) ખરડો, 2017 (જે ‘ટ્રિપલ તલાક’ અંગેના ખરડા તરીકે જાણીતો થયો છે) એની જોગવાઈ અનુસાર, મોઢેથી ત્રણ વાર ‘તલાક’ શબ્દ ઉચ્ચારીને પત્નીને છૂટાછેડા આપનારને જેલની ત્રણ વર્ષની સજા થશે.

આ ખરડો કાયદો બની ગયા બાદ ટ્રિપલ તલાક પ્રથા ગેરકાયદેસર બની જશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે આ ખરડા માટે એક સમિતિની રચના કરી હતી જેમાં રાજનાથ સિંહ, અરૂણ જેટલી, રવિશંકર પ્રસાદ, સુષમા સ્વરાજ, પી.પી. ચૌધરી અને જિતેન્દ્ર સિંહ સામેલ છે.

અત્યાર સુધી ટ્રિપલ તલાક પ્રથાને કારણે પીડિત મુસ્લિમ મહિલાઓને ન્યાય મળતો નહોતો. એમાં છૂટાછેડા લેનાર પતિને કોઈ સજાની જોગવાઈ નથી.

ગયા ઓગસ્ટ મહિનામાં સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાક પ્રથાને ગેરબંધારણીય ઘોષિત કરી હતી. કોર્ટે કહ્યું હતું કે આ મામલો ધર્મ સાથે જોડાયેલો છે. એટલે આ મામલે સંસદે કાયદો બનાવવો જોઈએ.