અમદાવાદ– 18મી તારીખે સાચાં પરિણામ બહાર પડ તે પહેલાં એક્ઝિટ પોલ્સમાં ભાજપને જીતતી જોઇને કોંગ્રેસને ફાળ પડી હોય તેમ લાગી રહ્યું છે. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં પહોંચી જઇને અરજી દાખલ કરી હતી કે મતગણના દરમિયાન ઓછામાં ઓછા 25 ટકા વીવીપેટ ચિટ્ઠીઓની ગણતરી કરીને ઈવીએમમાં પડેલાં મત સાથે સરખાવવામાં આવે. સુપ્રીમ કોર્ટ આ અરજીની આજે જ સુનાવણી કરતાં કોંગ્રેસની અરજી ફગાવી દીધી છે. કોંગ્રેસના દિગ્ગજ વકીલ કપિલ સિબલ અને અભિષેક મનુસિંઘવી આ કેસમાં કોંગ્રેસ તરફે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.ગુરુવારે મતદાન સમાપ્તિ બાદ બહાર પડેલાં તમામ એક્ઝિટ પોલમાં ગુજરાતમાં નવી ભાજપ સરકાર રચાવાના સંકેત મળ્યાં છે. કોંગ્રેસ ઈવીએમ પર સીધો સવાલ તો નથી ઉઠાવ્યો પણ શંકા જતાવતાં આ અરજી કરી હતી. સુપ્રીમે અરજી કાઢી નાંખવા સાથે મતગણતરીમાં હસ્તક્ષેપ કરવાનો પણ ઇન્કાર કરી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે ઈવીએમ સત્યાપન માટે કેન્દ્રીય ચૂંટણી પંચે દેશના તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને ઈવીએમ હેક કરી બતાવવા અને ઈવીએમ સંબંધિત તમામ શંકાઓને દૂર કરવા વારંવાર જણાવાયું હતું ત્યારે કોંગ્રેસે તેમાંથી કિનારો કરી લીધો હતો અને તે તપાસમાં હાજર રહ્યો ન હતો.