ગિલાની એક દિવસ તમે કફનનો રંગ પણ લીલો કરી નાંખશોઃ કશ્મીરી યુવક

નવી દિલ્હીઃ ભારત વિરૂદ્ધ આગ ઓકનારા અલગાવવાદી કશ્મીરી નેતા સૈયદ અલી શાહ ગિલાનીને એક કાશ્મીરી યુવકે તેમના બેવડાં વલણ માટે ફટકાર લગાવી છે અને તેમને પાખંડી કહ્યા છે. વાસ્તવમાં આ વ્યક્તિએ સૈયદ અલી શાહ ગિલાનીને એક પત્ર લખ્યો છે અને તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. આ પત્રમાં જમ્મુ કાશ્મીરમાં સિનેમા હોલનો વિરોધ કરવા માટે યુવકે ગિલાની પર બેવડું વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો છે. ગિલાની જમ્મુ કાશ્મીરમાં સિનેમા હોલ ખોલવાની વિરૂદ્ધમાં છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા જ અરબમાં સિનેમા હોલમાંથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. સૈયદ અલી શાહ ગિલાની દ્વારા નિર્ણયની કડક ટીકા કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય ગેરઈસ્લામિક છે.

ગિલાનીના આ વલણ પર યુવકે પ્રશ્ન કર્યો છે કે મને સમજાતું નથી કે પાકિસ્તાનમાં ચાલી રહેલા સિનેમા મામલે તમે ચૂપ શા માટે બેઠા છો અને તમે તેના માટે ચર્ચા શા માટે નથી કરતાં. યુવકે જણાવ્યું કે હવે તમે એમ ન કહેતાં કે મારે પાકિસ્તાન સાથે કોઈ લેવાદેવા નથી અને જો એમ જ હોય તો કશ્મીર બનશે પાકિસ્તાન આવા નારા શા માટે લગાવો છો. આ યુવકે વધુમાં લખ્યું છે કે હું ચોક્કસ કહી શકું કે પાકિસ્તાન પ્રત્યે પ્રેમ દર્શાવવા માટે એક દિવસ તમે લોકો કફનનો રંગ સફેદથી બદલીને લીલો કરી દેશો, અને એ વાત તમારા માટે ગેર ઈસ્લામિક નહીં હોય.