ભૂતપૂર્વ IPSના ઘરમાં ખજાના પર દરોડાઃ 700 લોકર મળ્યાં

નોએડાઃ આવકવેરા વિભાગની ટીમને સેક્ટર-50માં નિવૃત્ત IPSના ઘરે ચાલી રહેલી સિક્યોરિટી વોલ્ટ એજન્સી (લોકર ભાડે દેવાની સુવિધા) પર દરોડામાં મોટી સફળતા મળી છે. આ ઘરમાં 700 લોકર મેનસમ નોએડા વોલ્ટસ એજન્સીએ બનાવેલાં હતાં. આમાં અનેક લોકરોમાં ગેરકાયદે સંપત્તિ મૂકી હોવાના સંકેત છે. આ દરોડા કરી રહેલી ટીમે આશરે 10 લોકર એવાં કાપીને ખોલ્યાં હતાં, જેમનાં માલિકનાં નામ અથવા સરનામાં સ્પષ્ટ નથી. આ લોકરોમાંથી રોકડની ગણતરી રૂ. 5.77 કરોડે પહોંચી છે. રોકડની ગણતરી માટે ટીમે ત્રણ મશીનો લગાડ્યાં હતાં. રોકડ જપ્તીનો અંદાજ એવી રીતે લગાવી શકાય છે કે ગણતરી કરતી વખતે મશીનો હેન્ગ થતાં હતાં.

IT વિભાગે કેટલાક ઇનપુટને આધારે શનિવારે સાંજે દરોડા પાડ્યા હતા. ટીમની તપાસ આ ઘરના બીજા ભાગમાં આ વોલ્ટના લોકર સુધી પહોંચી હતી. ટીમે વોલ્ટ ચલાવતી એજન્સીના કર્મચારીઓને બોલાવીને તેમની પાસેથી લોકર સંબંધિત માહિતી અને સામગ્રી જપ્ત કરી હતી. એ પછી લોકરના માલિકને બોલાવીને લોકર ખોલવાનાં શરૂ કર્યાં હતાં.

આમાં કેટલાય નિવૃત્ત અને હાલના IAS,IPS PCS, ડોક્ટર અને વેપારીઓનાં લોકર છે. હવે દરોડા પછી આ અધિકારીઓ પોતે જવાથી બચી રહ્યા છે. તેઓ તેમના પ્રતિનિધિઓને મોકલી રહ્યા છે. કેટલાક તો લખનઉ રહી રહ્યા છે. આ લોકરોમાં 80 ટકા લોકરોની તપાસ થઈ ચૂકી છે. જોકે 100થી વધુ લોકરોની તપાસ હજી બાકી છે. જેની તપાસ ટીમ કરી રહી છે.