કશ્મીર સરહદ પર 3 પાકિસ્તાની ડ્રગ્સ-દાણચોર ઠાર

શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના સામ્બા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર આજે વહેલી સવારે સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના સતર્ક જવાનોએ ઠાર માર્યા હતા. મૃત ગુનેગારો પાસેથી માદક પદાર્થ હેરોઈનના 36 પેકેટ મળી આવ્યા હતા, જે કબજે કરી લેવાયા છે.

બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)ના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ એસ.પી.એસ. સંધુએ કહ્યું કે ગઈ કાલે મધરાત બાદ આશરે અઢી વાગ્યાની આસપાસ સીમા રક્ષક જવાનોએ સરહદ પર દાણચોરોની હિલચાલ નિહાળી હતી. એમણે તરત જ એમને પડકાર્યા હતા, પરંતુ દાણચોરોએ જવાનો પર ગોળીબાર કર્યો હતો. જવાનોએ એનો વળતો જવાબ આપીને એમને ઠાર માર્યા હતા. મૃતકો પાસેથી હેરોઈનના 36 પેકેટ મળી આવ્યા હતા.

(તસવીર સૌજન્યઃ @BSF_India)