પ્રયાગરાજઃ માફિયા ડોનમાંથી નેતા બનેલા અતીક એહમદ અને એના ભાઈ અશરફની ગઈ કાલે રાતે અત્રે હત્યા કરનાર ત્રણેય આરોપીને આજે સ્થાનિક કોર્ટે 14 દિવસ માટે અદાલતી કસ્ટડીમાં મોકલી દીધા છે. આ ત્રણ આરોપી છે – લવલેશ તિવારી (22) બાંદા નિવાસી, મોહિત ઉર્ફે સની (23) હમીરપુરનિવાસી અને અરૂણકુમાર મૌર્યા (18) કાસગંજનિવાસી.
અતીક-અશરફના મૃતદેહ પરિવારને સોંપી દેવાયા
અતીક અને અશરફના મૃતદેહ આજે પોસ્ટ-મોર્ટમ કરી લેવાયા બાદ એમના પરિવારજનોને સુપરત કરી દેવામાં આવ્યા હતા અને મૃતદેહોને દફનવિધિ માટે કબ્રસ્તાન પણ લઈ જવામાં આવ્યા હતા. આ જ કબ્રસ્તાનમાં ગયા શનિવારે અતીકના પુત્ર અસદની દફનવિધિ કરવામાં આવી હતી. આ જ કબ્રસ્તાનમાં ભૂતકાળમાં અતીકના માતા-પિતાની પણ દફનવિધિ કરવામાં આવી હતી. અતીકને કુલ પાંચ પુત્રો છે. અસદ ત્રીજા નંબરનો હતો. એ ફરાર હતો. એ ગઈ 24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલની હત્યા કરાયા બાદ ફરાર હતો.