ચેન્નાઈઃ ચંદ્રયાન-3 એ ચંદ્ર ગ્રહની ધરતી પર દક્ષિણ ધ્રુવ બાજુએથી આજે નિર્ધારિત સમયે, ભારતીય સમય મુજબ સાંજે 6.04 વાગ્યે સફળતાપૂર્વક ઉતરાણ કરતાં ભારત અને ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઈસરોએ ઈતિહાસ સર્જ્યો છે. ચંદ્રની ધરતી પર દક્ષિણ બાજુએ આ પહેલાં કોઈ દેશનું અવકાશયાન ઉતરી શક્યું નહોતું. ભારત આ સિદ્ધિ હાંસલ કરનાર પહેલો જ દેશ બન્યો છે. આ સિદ્ધિને કારણે દેશભરમાં આનંદનું વાતાવરણ છવાઈ ગયું છે. લોકો સોશિયલ મિડિયા પર અને ફોન કોલ કરીને એકબીજાને અભિનંદન આપી રહ્યાં હતાં. વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ ‘બ્રિક્સ’ સમૂહના દેશોના નેતાઓના સંમેલનમાં હાજરી આપવા માટે સાઉથ આફ્રિકા ગયા છે. ત્યાંથી એમણે ચંદ્રયાન-3ના લેન્ડિંગની પ્રક્રિયાને જીવંત પ્રસારણમાં નિહાળી હતી. ચંદ્રયાનના સફળ ઉતરાણથી એમણે પણ ખુશી વ્યક્ત કરી હતી અને એક નિવેદનમાં કહ્યું કે, ‘આ હંમેશને માટે યાદ રહી જાય એવી ક્ષણ છે. ભારત હવે ચંદ્ર પર પહોંચી ગયું છે.’
વિક્રમ લેન્ડર અને 26 કિલોગ્રામ વજનવાળા રોવર પ્રજ્ઞાને ચંદ્રની ધરતી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. ગયા અઠવાડિયે રશિયાનું અવકાશયાન ચંદ્રની ધરતી પર ઉતરાણ કરવામાં નિષ્ફળ ગયું હતું.