ટ્રમ્પ-મેલેનિયા અમદાવાદ આવશે કે તરત જ 1000 કલાકારોના પર્ફોર્મન્સ શરૂ થશે

અમદાવાદઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમનાં પત્ની મેલેનિયા સાથે  અમદાવાદ એરપોર્ટ પર ઊતરશે ત્યારે તેમનું ગુજરાતી પરંપરા મુજબ ભવ્ય સ્વાગત કરાશે. તેમના વિમાનથી 150 ફૂટ રેડ કાર્પેટની બંને બાજુ છ સંસ્થાઓ પરંપરાગત ગુજરાતી નૃત્ય કરી સ્વાગત કરશે. ગુજરાત સહિત દેશભરના 1000થી વધુ કલાકારો શંખનાદ, બેડા નૃત્ય, જાનવિયા ઢોલ, બેડા નૃત્ય, ઢોલ-ભૂંગળી શરણાઇ, ફૂલ માંડવી અને જાગવાળી બહેનોના નૃત્યોની રજૂઆત કરશે. આ ઉપરાંત એરપોર્ટ પરના લોન એરિયામાં વિવિધ 14 સંસ્થાના 256 કલાકારો પણ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિના નૃત્યો રજૂ કરશે.


ગુજરાતના દરેક પારંપરિક નૃત્યોનો સમાવેશ

ટ્રમ્પ વિમાનમાંથી બહાર આવશે કે તરત જ કલાકારો શંખનાદ કરાશે. શંખનાદમાં પણ બ્રહ્મનાદનો ધ્વનિ રહેશે. બ્રહ્મનાદનો અર્થ થાય છે ઇશ્વરનો નાદ.આ માટે એરપોર્ટ પર અમદાવાદ ઉપરાંત બનાસકાંઠા, જામ ખંભાળિયા, સાબરકાંઠા, જૂનાગઢ, છોટા ઉદેપુર, જોરાવર નગર, ભરૂચ, ડાંગ, સુરેન્દ્રનગર, પોરબંદર વગેરે સ્થળોનાં ભાતીગળ નૃત્યો રજૂ થશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ એરપોર્ટની બહાર ન નીકળે ત્યાં સુધી આ આ કલાકરોનું પર્ફોમન્સ આપતા રહેશે. ત્યાર બાદ આ રોડ-શો સમયે પણ વિવિધ સાંસ્કૃતિક સ્ટેજ પરથી કલાકારો પરફોર્મ કરશે.