રેલવે ટ્રેક પર કંઈક હતું, જેથી ડબ્બા ખડી પડ્યાઃ રેલવેપ્રધાન

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના કાનપુરની પાસે સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા ખડી પડ્યા હતા.  ટ્રેન નંબર 19168- વારાણસીથી અમદાવાદ જઈ રહેલી સાબરમતી એક્સપ્રેસ  રાત્રે લગભગ 2.30 વાગ્યે કાનપુરના ગોવિંદપુરીની સામે પાટા પરથી ખડી પડી હતી. આ અકસ્માતમાં જાનમાલનું કોઈ નુકસાન નથી થયું.

આ. ઘટના બાદ મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ અને ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું હતું કે સાબરમતી એક્સપ્રેસનું એન્જિન કાનપુરની પાસે ટ્રેક પર રાખવામાં આવેલી કોઈ વસ્તુથી ટકારાઈને પાટા પરથી ખડી પડ્યું હતું. પ્રૂફ સુરક્ષિત છે IB અને UP પોલીસ પણ આ અંગે કામ કરી રહી છે. મુસાફરો કે સ્ટાફને કોઈ ઈજા થઈ નથી. અમદાવાદની આગળની મુસાફરી માટે મુસાફરો માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ રેલ દુર્ઘટના પછી આશરે છ ટ્રેનો રદ કરી દેવામાં આવી હતી. રેલવે નિષ્ણાતોની ટીમે અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે પ્રાથમિકતાના ધોરણે ટ્રેકનું સમારકામ કરીને ટ્રેન સેવા પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાની ઝીણવટભરી તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે અકસ્માત પાછળનું કારણ શું હતું.

આ ઘટના બાદ DRM, ADRM, કોમર્શિયલ હેડ, ટેકનિકલ હેડ, મેડિકલ ટીમ સહિત રેલવેના વરિષ્ઠ અધિકારીઓ પહોંચી ગયા છે. હાલ રાહત કાર્ય ચાલી રહ્યું છે.