નવી દિલ્હીઃ સંસદનું વિશેષ સત્ર શરૂ થઈ ચૂક્યું છે. આ સત્રમાં સરકાર બુધવારે મહિલા અનામત બિલ સંસદમાં મૂકે એવી શક્યતા છે. વિરોધ પક્ષોના ગઠબંધન ઇન્ડિયાએ આ બિલ લાવવા માટે ટેકો જાહેર કર્યો છે. વડા પ્રધાન મોદીએ સંસદમાં ભાષણ આપતાં કહ્યું હતું કે આ સત્ર ઐતિહાસિક થવાનું છે.
પાંચ દિવસીય સત્રની પૂર્વસંધ્યાએ સરકાર દ્વારા બોલાવવામાં આવેલી મીટિંગ સર્વપક્ષી બેઠકમાં રાજકીય પક્ષોએ સત્રમાં મહિલા અનામત બિલને પસાર કરવાની વકાલત કરી હતી. મોદી સરકારે કહ્યું હતું કે ઉચિત સમયે નિર્ણય લેવામાં આવશે. ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) સાંસદોએ સંસદના પ્રાંગણમાં ગાંધી પ્રતિમાની પાસે મહિલા અનામત બિલની માગને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે કેટલાય પક્ષોના નેતાઓએ કહ્યું હતું કે આશરે 27 વર્ષોથી લંબિત મહિલા અનામત બિલને સામાન્ય સહમતીથી રજૂ કરવું જોઈએ અને પસાર કરવું જોઈએ.આ બિલ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ સીટો આરક્ષિત કરવાની જોગવાઈ છે. હાલ લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા 15 ટકાથી ઓછી છે, જ્યારે કેટલાય રાજ્ય વિધાનસભાઓમાં તેમનું પ્રતિનિધિત્વ 10 ટકાથી ઓછું છે.
તૃણમૂલ કોંગ્રેસે પશ્ચિમ બંગાળના શાસક પક્ષમાં પ્રમાણમાં મોટી સંખ્યામાં મહિલા સાંસદોની નોંધ લીધી અને મહિલા અનામત માટેના બિલની જરૂરિયાતને સમર્થન આપ્યું. સર્વપક્ષીય બેઠક બાદ બીજેડી નેતા પિનાકી મિશ્રાએ કહ્યું કે, સંસદના નવા ભવન સાથે નવા યુગની શરૂઆત થવી જોઈએ અને મહિલા આરક્ષણ બિલ પસાર થવું જોઈએ. તેમણે કહ્યું કે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક આ વિચારના મોટા સમર્થક છે. એનસીપી નેતા પટેલે કહ્યું કે તેમને આશા છે કે આ બિલ સર્વસંમતિથી પસાર થશે.