નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થાય અથવા ટેન્શન લાંબો સમય ચાલે તો એની સીધી અસર દેશની સામાન્ય જનતા પર પડશે. દેશમાં જીવનજરૂરી ચીજવસ્તુઓની કિંમતોમાં વધારો નક્કી છે. કુદરતી ગેસથી માંડીને ઘઉં સહિત વિવિધ અનાજોની કિંમતોમાં વધારો થશે, એમ નિષ્ણાતોનું માનવું છે.રશિયા-યુક્રેન સંકટને લીધે ક્રૂડ તેલની કિંમતે પ્રતિ બેરલ 97 ડોલરે પહોંચી છે, જે સપ્ટેમ્બર, 2014 પછી સૌથી વધુ છે. વળી, એ આગામી દિવસોમાં એ પ્રતિ બેરલ 100 ડોલરને પાર થાય એવી શક્યતા છે. જેની સીધી અસર GDP પર પ્રતિકૂળ થશે. વળી, જો ક્રૂડની કિંમતો પ્રતિ બેરલ 150ને પાર થશે તો વૈશ્વિક GDPનો વિકાસદર માત્ર 0.9 ટકા રહી જશે.
બંને દેશો વચ્ચે યુદ્ધ થશે તો ક્રૂડની કિંમતો વધવાથી જથ્થાબંધ ભાવાંકમાં 0.9 ટકાનો વધારો થશે. એ સાથે કુદરતી ગેસ (CNG, PNG અને વીજળી)ની કિંમતમાં 10 ગણો વધારો થવાની શક્યતા છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પણ નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. જોકે LPG કેરોસીનની સબસિડીમાં વધારો થવાની અપેક્ષા છે. ઓઇલનો દેશની કુલ આયાતમાં આશરે 25 ટકા હિસ્સો છે. દેશ 80 ટકા ઓઇલ આયાત કરે છે. ઓઇલની કિંમતનો વધારો સીધો ચાલુ ખાતાની ખાધ પર પ્રતિકૂળ પર પડશે.
વળી, યુક્રેન ઘઉંનો ચોથો સૌથી મોટો નિકાસકાર દેશ છે, જો યુદ્ધ થશે તો ઘઉંની કિંમતોમાં વધારો થશે. આ ઉપરાંત પેલેડિયમ જેવી ધાતુઓની કિંમતમાં પણ વધારો થવાની શક્યતા છે.