મતદાનનો પાંચમો તબક્કોઃ આ દિગ્ગજોના ભાવિ ઈવીએમમાં સીલ થશે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 માટે આજે પાંચમા તબક્કામાં 7 રાજ્યોની 51 બેઠક પર મતદાન ચાલી રહ્યું છે. કુલ 9 કરોડ જેટલા મતદાતાઓ આજે મતદાન કરશે. આ સાથે જ દેશના કેટલાક દિગ્ગજ નેતાઓ સાથે કુલ 674 જેટલા ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થશે. આ તબક્કાની સાથે જ 424 સીટો પર ચૂંટણી ખતમ થઇ જશે અને બાકીની 118 સીટો પર 12 મે અને 19 મે સુધી ચૂંટણી યોજાવાની છે.

આ જાણીતા ચહેરાઓમાં કોંગ્રેસના જિતિન પ્રસાદ (ધોરાહરા, ઉત્તર પ્રદેશ), રાજનાથ સિંહ (લખનઉ), કોંગ્રેસના આચાર્ય પ્રમોદ કૃષ્ણા(લખનઉ), સોનિયા ગાંધી (રાયબરેલી), દિનેશ પ્રતાપ સિંઘ (રાયબરેલી), રાહુલ ગાંધી (અમેઠી), સ્મૃતિ ઈરાની (અમેઠી), સાવિત્રી બાઈ ફુલે (બહરાઈચ) સહિતના દેશના દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે. આ તમામ નેતાઓના ભાવી આજે ઈવીએમમાં કેદ થશે.

ઉલ્લેખનીય છે કે આજના તબક્કામાં જે 51 બેઠક પર મતદાન યોજાઇ રહયું છે એમાંથી ભાજપ પાસે 39 બેઠક છે. કોંગ્રેસ પાસે રાયબરેલી અને અમેઠી એમ બે બેઠક છે. આ દષ્ટિએ પાંચમા ચરણના મતદાનમાં ભાજપ માટે પોતાની બેઠક જાળવી રાખવાનો સૌથી મોટો પડકાર છે. સામે કોંગ્રેસ પણ રાજસ્થાન અને બિહારમાંથી અમુક બેઠક વિરોધીઓ પાસેથી આંચકી લેવાની આશા રાખે છે.