દેશમાં સિંગલ ડોઝવાળી સ્પુતનિક-લાઇટ રસી જલદી લોન્ચ થશે

નવી દિલ્હીઃ સરકારને કોરોનાની સિંગલ ડોઝવાળી સ્પુતનિક લાઇક રસીની ભારતમાં જલદી આવવાની આશા છે. રશિયાના ઉત્પાદક અને અને ભારતીય ભાગીદારો સહિત સંબંધિત સ્ટેકહોલ્ડરોને રસી માટે અરજી અને નિયામકીય મંજૂરીની પ્રક્રિયા ઝડપી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આગામી કેટલાંક સપ્તાહોમાં સ્પુતનિક લાઇટ માટે મંજૂરી માટે અરજી કરવાની અપેક્ષા છે. એ ભારતમાં મળનારી સિંગલ ડોઝવાળી પહેલી રસી બની શકે છે. આ રસી દેશના રસીકરણ કાર્યક્રમમાં તેજી લાવશે, એમ સૂત્રોએ કહ્યું હતું.

સ્પુતનિક લાઇટ માટે નિયમનકારી મંજૂરી મેળવવા માટેની અરજી આગામી બેએક સપ્તાહમાં દાખલ કરવામાં આવે એવી સંભાવના છે.

કોરોનાની રસીની સ્થાનિક સ્તરે ઉપલબ્ધતા વધારવા માટે હાલના દિવસોમાં સરકારના ઉચ્ચ અધિકારીઓની વચ્ચે ઉચ્ચ સ્તરી વાતચીત થઈ છે. ગયા સપ્તાહે કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં એક બેઠકમાં સ્પુતનિક લાઇટની મંજૂરી પ્રક્રિયાને ઝડપી કરવા માટે બધા સંબંધિત સ્ટેકહોલ્ડરોની સાથે બેઠક આયોજિત કરવાની સલાહ આપવામાં આવી હતી.

રશિયાની સ્પુતનિક રસી જૂનના બીજા સપ્તાહમાં ઉપલબ્ધ થશે. પ્રારંભમાં એ રસી એપોલો હોસ્પિટલના માધ્યમથી ઉપલબ્ધ થશે, એમ એપોલો હોસ્પિટલના કાર્યકારી ઉપાધ્યક્ષ શોભના કામિનેનીએ આપી હતી.

તેમણે કહ્યું હતું કે તેમના ગ્રુપે દેશને 80 સ્થળોએ 10 લાખ રસી લગાવવાનું કામ પૂરું કરી લીધું છે. એમાં ફ્રન્ટલાઇ વર્કર્સ, વધુ જોખમવાળી વ્યક્તિઓ અને કોર્પોરેટ કર્મચારીઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. જૂનના દરેક સપ્તાહે 10 લાખ રસી લાગશે. જુલાઈમાં એને વધારીને બે ગણી કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.