શિંદે સરકારે ઔરંગાબાદ, ઉસ્માનાબાદનું નામાંતર સ્થગિત કરાવ્યું

મુંબઈઃ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન પદે હતા ત્યારે એમની સરકારે લીધેલા અનેક નિર્ણયોને નવી એકનાથ શિંદે સરકારે બદલવાનો ધડાકો શરૂ કર્યો છે. એમાંનો એક મહત્ત્વનો નિર્ણય છે – મહારાષ્ટ્રના ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ શહેરોનાં નામ બદલવાનો. આ બંને શહેરના નામ ઠાકરે સરકારે બદલીને અનુક્રમે સંભાજીનગર અને ધારાશિવ કર્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ પ્રધાનમંડળની બેઠક બોલાવીને નામાંતરણની જાહેરાત કરી હતી. એ જ પ્રમાણે નવી મુંબઈના એરપોર્ટનું નામ રાખ્યું હતું ડી.બી. પાટીલ એરપોર્ટ. નામાંતરના એ નિર્ણયને એ વખતની મહાવિકાસ આઘાડી સરકારના અન્ય બે ભાગીદાર પક્ષ – કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું પણ સમર્થન મળ્યું હતું. પરંતુ હવે શિંદે સરકારે ત્રણેય નામ બદલવાનો નિર્ણય સ્થગિત કરાવી દીધો છે.

એકનાથ શિંદેએ ઠાકરેની નેતાગીરી સામે બળવો પોકારી, પક્ષના અનેક વિધાનસભ્યો તથા અપક્ષ વિધાનસભ્યોના ટેકા સાથે તેમજ વિરોધ પક્ષ ભારતીય જનતા પાર્ટીની ભાગીદારી સાથે પોતાની સરકારની સ્થાપના કરી છે. શિંદેના બળવાને કારણે ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી સરકારનું પતન થયું હતું. શિંદેએ દાવો કર્યો છે કે એમનો શિવસેના પક્ષ મુખ્ય પક્ષ છે. તેઓ મુખ્ય પ્રધાન બન્યા છે અને ભાજપના દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્ય પ્રધાન. નામાંતરને સ્થગિત કરવાના શિંદે સરકારના નિર્ણયની શિવસેનાના નેતા સંજય રાઉતે ટીકા કરી છે. એમણે નવી સરકારને કટાક્ષમાં સવાલ કર્યો છે કે, ઔરંગઝેબ અને ઉસ્માન તમારા કોણ લાગે છે કે તમે નામ બદલવા નથી દેતા?