નવી દિલ્હીઃ સ્વતંત્રતા દિવસની તૈયારીઓને લીધે લાલ કિલ્લો પર્યટકો માટે 21 જુલાઈ, 2021થી બંધ કરવામાં આવ્યો છે. એનો આદેશ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના ડિરેક્ટર મોન્યુમેન્ટ-2 ડોક્ટર એનકે પાઠકે મંગળવારે જારી કર્યો છે. એ આદેશમાં કહેવામાં આવ્યું છે કે 21 જુલાઈથી 15 ઓગસ્ટ સુધી લાલ કિલ્લો સુરક્ષાનાં કારણોસર પર્યટકો માટે બંધ કરવામાં આવે છે. એની માહિતી તેમણે ASI દિલ્હી સર્કલ, એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અનીતા રાય, CISF કમાન્ડટ યુનિટ ASI, હોર્ટિકલ્ચરના ડેપ્યુટી સુપરિટેન્ડેન્ટ સહિત વેબસાઇટને આપી હતી, જેથી લાલ કિલ્લાનું ટિકિટ બુકિંગ બ્લોક કરી દેવામાં આવે.
દેશમાં આતંકવાદીઓ દિલ્હી, મુંબઈ સહિત ચાર શહેરોમાં ડ્રોનથી સંવેદનશીલ ઇમારતોને નિશાન બનાવવાની ફિરાકમાં છે. IBએ આ સંબંધે અલર્ટ જારી કરતાં કહ્યું હતું કે 15 ઓગસ્ટથી પહેલાં રાજધાનીમાં સંવેદનશીલ ઇમારતો પર ક્યારેય પણ ડ્રોનથી હુમલો થઈ શકે છે. IBના જારી ઇનપુટ્સ પછી દિલ્હીમાં સુરક્ષા-વ્યવસ્થાને એલર્ટ રાખતાં વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
દિલ્હીમાં કેટલીય જગ્યાઓએ અર્ધસૈનિક દળો તહેનાત કરવામાં આવ્યાં છે. આ સંબંધે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે લાહોરના જૌહર હાઉસમાં રેવન્યુ બોર્ડ હાઉસિંગ સોસાયટીમાં દેશના સૌથી મોટા દુશ્મન હાફિસ સઇડના ઘરની બહાર 30 જૂને બોમ્બધડાકો થયો હતો, જેની ભારત સાથે કોઈ લેવાદેવા નથી, પણ ISI અને હાફિસ સઇડને એ ધમાકાના બહાને આતંકવાદી હુમલો કરવાની ફિરાકમાં છે.
