રાજસ્થાનથી લદ્દાખ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા

 નવી દિલ્હીઃ લદ્દાખમાં બુધવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા 3.6 માપવામાં આવી હતી. જોકે ભૂકંપમાં કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી.આ સિવાય રાજસ્થાન, મેઘાલય, લેહ-લદ્દાખ અને હરિયાણામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાજસ્થાનના બિકાનેરમાં સવારે 5.24 કલાકે રિક્ટર સ્કેલ 5.3ની તીવ્રતાનો અનુભવાયો હતો. મેઘાલયમાં રાત્રે બે કલાક અને 10 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. એ ભૂકંપની તીવ્રતા 4.1ની માપવામાં આવી હતી, એમ નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી હતી.

આ પહેલાં ગયા શનિવારે પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ભૂકંપ અનુભવાયો હતો. આશરે 10.12 કલાકે ભૂકંપ અનુભવાયો હતો. જોકે કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી.

આ પહેલાં 18 જુલાઈએ ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એ ભૂકંપની તીવ્રતા 3.9ની હતી. એ પહેલાં હિમાચલ પ્રદેશ, આસામ, બંગાળ અને દિલ્હીમાં ભૂકંપના આંચકા આવ્યા હતા.