વધતી ગરમીના જોખમ વચ્ચે દેશમાં ગ્રિડ આઉટેજની સંભાવના

નવી દિલ્હીઃ દેશના ઉત્તર અને મધ્ય ભાગમાં હાલના દિવસોમાં ભીષણ ગરમી પડી રહી છે. મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કેટલીક ડિગ્રી ઉપર ચાલી રહ્યું છે. દિલ્હીમાં ગરમી અને પાણીની અછતથી હાહાકાર મચ્યો છે. હાલ સામાન્ય તાપમાનથી છ ડિગ્રી સુધી વધુ છે. હવામાન વિભાગ (IMD)એ દિલ્હી માટે રેડ એલર્ટ જારી કર્યું છે.  

વીજ મંત્રાલયના પ્રવક્તાએ કહેવું છે કે વીજ માગને પૂરી કરવા માટે ઉત્તરના વિસ્તારમાં વીજ જરૂરિયાતના 25-30 ટકા પડોશી વિસ્તારોમાંથી આયાત કરવામાં આવી રહી છે. પ્રચંડ ગરમી અને જૂનના અંત સુધીમાં કૃષિ ક્ષેત્રે પાવર લોડમાં વધારાની વચ્ચે પંજાબના પાવર એન્જિનિયરોએ રાજ્યમાં ગ્રિડ આઉટેજની સંભાવના દર્શાવી છે. તેમણે ચેતવણી ઉચ્ચારી હતી કે માગમાં આવેલા અચાનક ઉછાળાથી પાવર સપ્લાયને મેનેજ કરવો મુશ્કેલ પડે એવી શક્યતા છે.

છેલ્લા એક મહિનાથી ઉત્તરના વિસ્તારોમાં ભીષણ ગરમીની સ્થિતિને કારણે રેકોર્ડ માગ જોવા મળી રહી છે. સોમવારે 89 ગિગા વોટ (એટલે કે 1000 મેગા વોટ)ની માગ રહી હતી, જે અત્યાર સુધીની સૌથી ઊંચી માગ હતી. વધુ માગને કારણે લખનૌ અને મેરઠમાં વીજ સપ્લાયમાં કાપ થયો હતો અને 765 KV લાઇનના ટ્રિપિંગને કારણે ગ્રિડમાં વોલ્ટેજ સ્પાઇક થયા પછી સોમવારે બપોરે દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પેસેન્જર્સ સેવા પર અસર પડી હતી.

ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશને અંદેશો વ્યક્ત કર્યો હતો કે જો આ જ ભીષણ ગરમીની સ્થિતિ બની રહી તો આવનારા દિવસોમાં ગ્રિડ પર લોડ વધવાથી પંજાબ જ નહીં, પણ દેશમાં ગંભીર વીજ સંકટ પેદા થવાની શક્યતા છે.