નેવી પરમાણુ, ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીનનો ઉપયોગ કરશે

નવી દિલ્હીઃ નેવીએ પરમાણુ સબમરીનનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં- એવી ચાલી રહેલી ચર્ચા દરમ્યાન સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ભારતીય નેવીએ નિર્ણય લીધો છે કે નૌસેના ન્યુક્લિયર અને ડીઝલ ઇલેક્ટ્રિક –બંને સબમરીનનું નિર્માણ અને ઉપયોગ કરશે. ઓસ્ટ્રેલિયાની નેવીએ ફ્રાંસની સાથે 90 અબજ ડોલરની ડીઝલ-ઇલેક્ટ્રિક સબમરીનનો કરાર રદ કરીને અમેરિકાથી ન્યુક્લિયર સબમરીન ખરીદવાનો નિર્ણય લીધો છે, એમ અધિકારીએ કહ્યું હતું.

ઓસ્ટ્રેલિયન નૌસેના માટે સમુદ્રમાં અને એ ક્ષેત્રની આસપાસ જોખમ વધુ છે. આવામાં એનો ફ્રાંસ સાથે ડીઝલ-ઇલેક્ટ્રિક સબમરીન સમજૂતી કરાર રદ કરવા પાછળનું કારણ સમજી શકાય છે, જ્યારે અમારા માટે તટીય વિસ્તારોમાં સમુદ્રમાં જોખમથી સામે બંને પ્રકારની સબમરીનોનો ઉપયોગ થાય એ જરૂરી છે.

ભારત જેવા દેશ માટે બંને પ્રકારની સબમરીનનો ઉપયોગ આર્થિક રીતે વધુ ખર્ચાળ છે, પણ પરમાણુ હુમલામાં સક્ષમ સબમરીનના સંચાલન અને નિર્માણનો ખર્ચ ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીનના નિર્માણનો ખર્ચથી બે ગણો છે.

ભારત માટે કલવારી શ્રેણી (સ્કોર્પિયન) હેઠળ છ સબમરીનના નિર્માણના પ્રોજેક્ટનો ખર્ચ રૂ. 25,000 કરોડ છે. DRDO દ્વારા બનાવવામાં આવનારી ત્રણ પરમાણુ હુમલામાં સક્ષમ સબમરીન બનાવવાનો પ્રસ્તાવ રૂ. 50,000 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે, એમ અધિકારીએ કહ્યું હતું.

ન્યુક્લિયર અને ડીઝલ સબમરીનની વચ્ચે ખર્ચમાં મોટો તફાવત છે, પણ પરમાણુ સબમરીન નૌસેનાને એક મોટી ક્ષમતા પ્રદાન કરે છે, કેમ કે એ સબમરીન મહિનાઓ સુધી સમુદ્રની અંદર રહી શકે છે. એને ડીઝલ ઇલેક્ટ્રિક્ટ સબમરીનની જેમ નિયમિત રીતે સમુદ્રની સપાટી પર આવવાની જરૂર નથી.