નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ માટે રાષ્ટ્રપત્ની શબ્દ ઉચ્ચારીને કોંગ્રેસના વરિષ્ઠ સંસદસભ્ય અધીર રંજન ચૌધરીએ શાસક પક્ષ ભાજપનો રોષ વહોરી લીધો છે. રાષ્ટ્રપતિ મુર્મુનું આ રીતે લૈંગિક અપમાન કરવા બદલ ચૌધરીને રાષ્ટ્રીય મહિલા પંચ (NCW) તરફથી નોટિસ મોકલવામાં આવી છે. એમને 3 ઓગસ્ટે સવારે 11.30 વાગ્યે પંચ સમક્ષ પ્રત્યક્ષ રીતે હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય મહિલા પંચે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને પણ લેખિતમાં કહ્યું છે કે તેઓ આ બાબતમાં હસ્તક્ષેપ કરે અને અધીર રંજન ચૌધરી સામે ઉચિત પગલું ભરે. ચૌધરીની કમેન્ટને વખોડી કાઢતા એક સંયુક્ત નિવેદનમાં NCWની સાથે 13 રાજ્ય સ્તરીય મહિલા પંચો પણ જોડાયાં છે.
બુધવારે, દિલ્હીના વિજય ચોક ખાતે કોંગ્રેસી સભ્યો વિરોધ-દેખાવ કરી રહ્યા હતા ત્યારે પત્રકારોએ ચૌધરીને જ્યારે એમ પૂછ્યું હતું કે તમે તમારી ફરિયાદ લઈને ક્યાં જશો? ત્યારે ચૌધરીએ કહ્યું હતું ‘રાષ્ટ્રપત્ની’ પાસે. એમની આ ટિપ્પણીવાળો વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો હતો અને શાસક ભાજપના સભ્યોએ આજે સંસદમાં ઉહાપોહ મચાવ્યો હતો. ચૌધરીએ આજે કહ્યું કે બોલવામાં એમની ‘જીભ સરકી ગઈ હતી’. એમણે માફી માગવા માટે રાષ્ટ્રપતિ પાસે સમય માગ્યો છે. ભાજપ આ મુદ્દે મોટો વિવાદ ઊભો કરી રહ્યાં છે. રાષ્ટ્રપતિને મળીને પોતે માફી માગશે, પરંતુ આ ‘પાખંડીઓ’ની માફી નહીં માગે, એમ પણ તેમણે જણાવ્યું છે.
