નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસમાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે. નવા કેસોની સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા આઠ મહિનામાં 24 કલાકમાં કોરાનાથી સૌથી ઓછાં મોત નોંધાયાં છે.દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1.05 કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 10,064 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 137 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,05,81,837 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,52,556 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,02,28,753 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 17,411 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,00,528એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 96.53 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.44 ટકા થયો છે.
62 ટકા લોકોને રસી લેવાની ઉતાવળ નથી
દેશના 230 જિલ્લામાં કરવામાં આવેલા આ સર્વેમાં સામેલ 62 ટકા લોકો તરત જ રસી લેવા માટે તૈયાર નથી. આ સર્વેમાં કુલ 17,000 લોકોએ ભાગ લીધો હતો. જોકે 32 ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ રસી લેવા માટે તૈયાર છે. જ્યારે 22 ટકા લોકોએ કહ્યું કે તેઓ હજુ ત્રણ મહિના સુધી રાહ જોશે અને ત્યાર બાદ નિર્ણય કરશે. આ સર્વેનો નિષ્કર્ષ એ રહ્યો કે 62 ટકા લોકોને હાલમાં રસી લેવાની કોઈ ઉતાવળ નથી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.