કમલનાથ સરકાર રાજકીય વમળમાં: દિગ્વિજય સિંહની અરજી ફગાવાઈ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશ કોંગ્રેસના બળવાખોર વિધાનસભ્યોથી ન્યાયાધીશોની ચેમ્બરમાં મુલાકાત કરવાની રજૂઆતને ફગાવતાં ટિપ્પણી કરી હતી કે વિધાનસભામાં જવું કે ના જવું એ વિધાનસભ્યો પર નિર્ભર છે, પણ તેમને બંધક બનાવીને ના રાખી શકાય. જસ્ટિસ ધનંજય વાય. ચંદ્રચૂડ અને ન્યાયાધીશ હેમંત ગુપ્તાની બનેલી ખંડપીઠે કોંગ્રેસના 22 બળવાખોર વિધાનસભ્યોનાં રાજીનામાંને પગલે મધ્ય પ્રદેશમાં આવી પડેલા રાજકીય સંકટ મામલે આવેલી અરજીની સુનાવણી દરમ્યાન આ ટિપ્પણી કરતાં કહ્યું હતું. કોર્ટ વિધાનસભા દ્વારા લેવાયેલા એ નિર્ણયની વચ્ચે નહીં પડે કે વિધાનસભામાં કોની પાસે વિશ્વાસ છે, પરંતુ કોર્ટે એ સુનિશ્ચિત કરવાનું છે કે એ 16 વિધાનસભ્યો સ્વતંત્રરૂપે પોતાના અધિકારનો ઉપયોગ કરી શકે, એમ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું.

કોર્ટની ખંડપીઠે આ વિધાનસભ્યોની ચેમ્બરમાં મુલાકાત કરવાની રજૂઆતને એ કહેતાં ફગાવી દીધી કે આવું કરવું ઉચિત નહીં હોય. આટલું જ નહીં, રજિસ્ટ્રારે જનરલને પણ આ બળવાખોર વિધાનસભ્યો પાસે મોકલવાનો ઇનકાર કર્યો હતો. ખંડપીઠે આની સાથે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને ભાજપના નવ વિધાનસભ્યોની સાથે મધ્ય પ્રદેશ કોંગ્રેસ વિધાનસભ્ય દળની અરજીઓ પર સુનાવણી ગુરુવારે સવારે સાડાદસ વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.

બીજી બાજુ કર્ણાટક હાઇકોર્ટે કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહની બળવાખોર વિધાનસભ્યોથી મળવાની અરજી પણ ફગાવી દીધી હતી. દિગ્વિજય સિંહે આ અરજીમાં મધ્ય પ્રદેશના કોંગ્રેસ વિધાનસભ્યોથી મળવાની અનુમતિ માગી હતી.

દિગ્વિજય સિંહ વિધાનસભ્યોને મળવા બેન્ગલોર પહોંચ્યા

બેન્ગલોરની એક હોટલમાં રોકાયેલા કોંગ્રેસના બળવાખોર વિધાનસભ્યોને મળવા દિગ્વિજય સિંહ પહોંચ્યા હતા, જ્યાં તેમને રોકવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેઓ કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે ધરણાં પર બેઠા હતા. એ પછી પોલીસ તેમને સાવચેતીરૂપે અટકાયમાં લીધા હતા. જોકે થોડી વાર પછી તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. એ પછી દિગ્વિજય સિંહે તેમનૈ મળવા માટે હાઇકોર્ટમાં રિટ કરી હતી, પણ એ અરજી કર્ણાટક હાઇકોર્ટે ફગાવી દીધી હતી.

બળવાખોર નેતાનો દિગ્વિજયને સંદેશ

કોંગ્રેસના બળવાખોર વિધાનસભ્યોએ એક વિડિયો જારી કરીને કહ્યું હતું કે રાછલા એક વર્ષથી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે વાત કરવાનો અમે પ્રયાસ કરી રહ્યા હતા પણ અમારી રજૂઆત સાંભળવા કોઈ તૈયાર નહોતું. તેમણે કહ્યું હતું કે અમે અમારી મરજીથી રાજીનામાં આપ્યાં છે અને કોંગ્રેસના નેતાઓ સાથે વાત કરવામાં અમને કોઈ રસ નથી.

 

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]