નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કહ્યું છે કે એણે IT અને બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ (BPO) કંપનીઓ સહિત અન્ય સર્વિસ પ્રોવાઇડરો (OSP)ના કર્મચારીઓ માટે ‘વર્ક ફ્રોમ હોમ’ માટેની સમયમર્યાદાને આ વર્ષની 31 ડિસેમ્બર સુધી લંબાવી દીધી છે. વર્ક ફ્રોમ હોમનો સમયગાળો 31 જુલાઈએ પૂરો થતો હતો. સરકારે આને માટેનાં નિયમો જાહેર કર્યા હતા. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT)એ ગઈ કાલે રાત્રે ટ્વીટમાં જણાવ્યું હતું કે કોવિડ-19ને લીધે વધી રહેલા ટેન્શનને ધ્યાનમાં રાખતાં વર્ક ફ્રોમ હોમની સુવિધાને 31 ડિસેમ્બર સુધી લંબાવી દેવામાં આવી છે.
હાલમાં 85 ટકા લોકો ઘરેથી કામ કરી રહ્યા છે
હાલમાં IT કર્મચારીઓમાંથી આશરે 85 ટકા લોકો પોતપોતાના ઘેરથી કામ કરી રહ્યા છે અને એવા કર્મચારીઓ જ ઓફિસમાં જઈ રહ્યા છે, જેમનું કામ ઘરેથી નથી થઈ શકતું.
માર્ચ મહિનામાં ડોટે સર્વિસ પ્રોવાઇડર્સ (OSP) માટે 30 એપ્રિલ સુધી વર્ક ફ્રોમ હોમ માટે નિયમોમાં રાહત આપી હતી. જેથી કોરોના વાઇરસ રોગચાળાની દરમ્યાન વર્ક ફ્રોમ હોમ (WFH) સુવિધા શરૂ કરવામાં આવી હતી, જેને બાદમાં 31 જુલાઈ સુધી લંબાવવામાં આવી હતી.
કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 11,92, 915 થઈ ગઈ છે. અને અત્યાર સુધીમાં 28,732 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. જોકે આ ખતરનાક બીમારીને 7,53,049 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,11,133એ પહોંચી છે.
82 ટકા કર્મચારીઓ મિસ કરી રહ્યા છે ઓફિસ
કોરોના રોગચાળાને કારણો પાછલા ત્રણ મહિનાથી ઘરેથી કામ કરી રહેલા લોકો હવે ઓફિસ જવા ઇચ્છે છે. આ લોકોનું કહેવું છે કે તેઓ ઓફિસને મિસ કરી રહ્યા છે, એવું એક સર્વે કહે છે. સર્વે મુજબ 82 ટકા કર્મચારીઓએ કહ્યું હતું કે તેઓ ઓફિસથી કામ કરવાનું મિસ કરી રહ્યા છે.