આવતી કાલે એક અદભુત આકાશી ઘટના બનવાની છે. રવિવારે એટલે કે 21 જૂને સૂર્યગ્રહણ દેખાશે, જે આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ હશે. જે ગુજરાત અને દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં દેખાશે. ખગોળ વિજ્ઞાનમાં રસ ધરાવતા લોકો ‘રિંગ ઓફ ફાયર’ને જોઈ શકશે. વળી, આવતી કાલનો દિવસ એ વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને આવતી કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ છે. હવે પછી સૂર્યગ્રહણ જોવા માટે આપણે બીજાં 11 વર્ષ રાહ જોવી પડશે.
ગ્રહણ એ સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર વચ્ચેની એક કુદરતીય ખગોળીય ઘટના છે. કેટલીક વાર સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી બધા એક લાઇનમાં હોય છે. ચંદ્ર જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે ત્યારે એનો પડછાયો પૃથ્વી પર પડે છે. આ ઘટનાને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે.
સૂર્યગ્રહણ સવારે 9.15 કલાકે શરૂ થશે અને બપોરે 3.04 કલાક સુધી ચાલશે
આવતી કાલે સૂર્યગ્રહણ સવારે 9.15 કલાકે શરૂ થશે અને બપોરે 3.04 કલાક સુધી ચાલશે. આ ગ્રહણ એશિયા, આફ્રિકા, પેસિફિક, હિંદ મહાસાગર, યુરોપ અને ઓસ્ટ્રેલિયાના કેટલાક ભાગોમાં દેખાશે.
ગુજરાતમાં સૂર્યગ્રહણ 10.00 કલાકથી 1.27 કલાક દરમ્યાન સુધી દેખાશે
ગુજરાતમાં સૂર્યગ્રહણ 72 ટકા સુધી આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે, જે સવારે 10 કલાકે શરૂ થશે અને બપોરે 1.27 કલાક સુધી દેખાશે. મહત્તમ ગ્રહણ 11.37 કલાકે જોવા મળશે. જોકે દેશના ઉત્તર ભાગમાં સંપૂર્ણ સૂર્યગ્રહણ દેખાશે, જ્યારે બાકીના વિસ્તારોમાં સૂર્યનું આંશિક ગ્રહણ જોવા મળશે.
હવે સૂર્યગ્રહણ જોવા 11 વર્ષ રાહ જોવી પડશે
આ સૂર્યગ્રહણને જોવાની તક આપણે ગુમાવી દઈશું તો દેશમાં સૂર્યગ્રહણ જોવા માટે આપણે બીજાં 11 વર્ષ રાહ જોવી પડશે. આગામી સૂર્યગ્રહણે 21 મે, 20131ના રોજ થશે, જે ભારતમાં દેખાશે.
ગુજકોસ્ટે વેબિનેર્સ સિરીઝનું આયોજન કર્યું
ગુજકોસ્ટે સૂર્યગ્રહણ સમજવા માટે, ગ્રહણના સમયે વૈજ્ઞાનિક ખગોળીય ઘટનાને જોવાજાણવા માટે એક વેબિનર્સ સિરીઝનું આયોજન કર્યું છે. આમાં વિજ્ઞાન પ્રસારના ભૂતપૂર્વ ડિરેક્ટર ડો. વી. બી. કાંબળે, સિનિયર સાયન્ટિસ્ટ ડો. બી. કે. ત્યાગી, આણંદસ્થિત એસ. પી. યુનિવર્સિટીના પ્રોફેસર ડો. બ્રિજ મોહન ઠાકોર, PRLના સાયન્ટિસ્ટ ડો. વિશાલ જોષી, ગુજકોસ્ટના સલાહકાર ડો. નરોત્તમ સાહો, ભુજની એસ્ટ્રોનોમી ક્લબના નરેન્દ્ર ગોર સહિત અનેક લોકો વેબિનાર સેશન્સમાં ભાગ લઈ રહ્યા છે અને સૂર્યગ્રહણ અને એના મહત્ત્વ વિશે માહિતી આપી રહ્યા છે.
21 જૂને ઉત્તરાયણ પૂરું
21 જૂન અન્ય કારણોસર પણ મહત્ત્વપૂર્ણ છે. એ દિવસે સૂર્યનું ઉત્તરાયણ ગમન પૂરું થાય છે. આ દિવસે ઉનાળો પૂરો થયો એમ કહેવાય. આવતી કાલે દિવસ આશરે 13 કલાક અને 31 મિનિટનો રહેશે.
સાયન્સ સિટી દ્વારા સૂર્યગ્રહણ પર ખાસ સંવાદનું આયોજન
હવે થોડા કલાકમાં 2020નું પ્રથમ સૂર્યગ્રહણ થવાનું છે ત્યારે અવકાશરસિયાઓ ઉત્સાહિત છે. ચક્રિય સૂર્યગ્રહણ જે રિંગ ઓફ ફાયર તરીકે પણ ઓળખાય છે, એ 21 જૂન, 2020એ થવાનું છે. ગુજરાત સાયન્સ સિટી દ્વારા આયોજિત વેબિનારમાં સૂર્યગ્રહણનો ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં સી.એમ. નાગરાણીએ (નિવૃત્ત વૈજ્ઞાનિક ,ઇસરો) આકાશી ઘટનાનાં વિવિધ પાસાંઓ સમજાવ્યાં હતાં. સૂર્યગ્રહણ અંગે વધુ વાત કરતાં ડો.નાગરાણીએ કહ્યું કે જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર પસાર થાય ત્યારે સૂર્યગ્રહણ થાય છે. સૂર્યગ્રહણ સામાન્ય રીતે ચંદ્રગ્રહણના બે અઠવાડિયાં પહેલા કે પછી થાય છે. છેલ્લું ચંદ્રગ્રહણ 5 જૂને થયું હતું, એમ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમદાવાદમાં સૂર્યગ્રહણ સવારે 10:03 એ શરૂ થશે અને 1:32 સુધી દેખાશે.
સૂર્યગ્રહણના ત્રણ પ્રકાર હોય છે
સૂર્યગ્રહણના ત્રણ પ્રકાર હોય છે: સંપૂર્ણ, આંશિક અને ચક્રિય. સંપૂર્ણ સૂર્યગ્રહણમાં, ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે ઢાંકે છે. આંશિક સૂર્યગ્રહણમાં, ચંદ્ર સૂર્યને માત્ર આંશિક રીતે ઢાંકી દે છે, જેનાથી સૂર્ય અર્ધચંદ્રાકાર આકારમાં દેખાય છે. ચક્રિય સૂર્યગ્રહણમાં, ચંદ્ર તેની લંબગોળ ભ્રમણકક્ષામાં પૃથ્વીથી દૂર હોય છે તેથી તે સૂર્યને સંપૂર્ણ રીતે ઢાંકી શકતો નથી. જેથી ચંદ્રના સપાટીની આજુબાજુ ચક્રિય પ્રકાશ “રિંગ ઓફ ફાયર” બનાવે છે.
સૂર્યગ્રહણને સીધું ના જોવાની સલાહ
ચંદ્રગ્રહણને નરી આંખે જોઈ શકાય છે, પણ ડો. નાગરાણીએ સૂર્યગ્રહણ સમયે સૂર્યને સીધો ન જોવાની સલાહ આપે છે કારણ કે તે રેટિનાને નુકસાન કરી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે લોકોએ બોક્સ પ્રોજેક્ટર દ્વારા સૂર્યને જોવો જોઈએ અથવા સૌર ફિલ્ટર્સનો ઉપયોગ કરીને દૂરબીનનો ઉપયોગ કરવો જોઈએ.