રાજકીય સન્માન સાથે ભારતના ‘રતન’ની અંતિમ વિદાય

મુંબઈઃ ઉદ્યોગપતિ રતન ટાટાના નિધન પર વિશ્વની હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો હતો. તેમને રાજકીય સન્માનની સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.મુંબઈના NCPA ગ્રાઉન્ડમાં અંતિમ દર્શન પછી રતન ટાટાના પાર્થિવ શરીરને અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં લઈ જવામાં આવ્યું હતું. વર્લીના સ્મશાનમાં તેમના અંતિમ સંસ્કાર થયા હતા. ટાટાનો પાલતુ કૂતરો પણ સ્મશાનમાં પહોંચ્યો હતો.

રતન ટાટાનું પાર્થિવ શરીર વરલીના પારસી સ્મશાન ભૂમિના પ્રાર્થના રૂમમાં રાખવામાં આવ્યું હતું. ત્યાં અંતિમ સંસ્કાર પહેલાં 45 મિનિટ સુધી શાંતિ પ્રાર્થના કરવામાં આવી હતી.ગૃહપ્રધાન અમિત શાહ પછી દેશના સૌથી શ્રીમંત બિઝનેસમેન મુકેશ અંબાણી પત્ની નીતા અંબાણીની સાથે ટાટાને શ્રદ્ધાંજલિ આપવા સ્મશાનમાં પહોંચ્યા હતા.

NCPA ગ્રાઉન્ડમાં ગૃહપ્રધાન અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના CM એકનાથ શિંદે, ઉપ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ શેલારે ટાટાને શ્રદ્ધાંજલિ આપી હતી. ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ પણ ટાટાના અંતિમ દર્શન કર્યા હતા.

 શિવસેના (UBT) અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના પુત્ર, પાર્ટીના નેતા અનિલ દેસાઈ અને અરવિંદ સાવંતે પણ ટાટાના અંતિમ દર્શન કર્યાં હતા. તેમને શ્રદ્ધાંજલિ આપતાં આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ કહ્યું હતું કે આ દેશ માટે અને કોર્પોરેટ ઇન્ડિયા માટે બહુ મોટી ક્ષતિ છે. તેમને કામની સમૃદ્ધિના માધ્યમથી યાદ રાખવામાં આવશે. સોશિયલ મિડિયા  પ્લેટફોર્મ પર રતન ટાટાને ભારત રત્ન આપવાની માગ લોકો કરી રહ્યા છે. તેમને પહેલાં પદ્મ પુરસ્કારો આપવામાં આવી ચૂક્યા છે.