નવી દિલ્હીઃ સરકારે સોમવારે ઇલેક્ટ્રિસિટી (સુધારા) બિલ 2022 લોકસભામાં રજૂ કર્યું હતું, પણ વિરોધ પક્ષોના ભારે વિરોધની વચ્ચે એને સંસદીય સ્થાયી સમિતિને મોકલી આપ્યું હતું. આ બિલ ટેલિકોમ સર્વિસિસની જેમ ઇલેક્ટ્રિસિટીનું પણ ખાનગીકરણ કરવાની રાહ પર છે. જોકે એ બિલ ગ્રાહકોને ફોન, મોબાઇલ અને ઇન્ટરનેટ સર્વિસિસ પ્રોવાઇડર્સની જેમ વીજપુરવઠો પૂરો પાડતી કંપનીઓનો વિકલ્પ પૂરો પાડશે.
વીજપ્રધાન આર. કે. સિંહએ લોકસભામાં આ બિલ રજૂ કર્યું હતું અને વિરોધ પક્ષની ચિંતાઓને દૂર કરવા માટે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને એ બિલને સ્થાયી સમિતિને મોકલી આપવા વિનંતી કરી હતી. આ બિલનો વિરોધ કરતાં RSP સભ્ય એન. કે. પ્રેમચંદ્રન, કોન્ગ્રેસના સભ્ય મનીષ તિવારી અને અધિર રંજન ચૌધરી સહિત અનેક નેતાઓએ કહ્યું હતું કે આ બિલના માળખાની વિરુદ્ધમાં છે. પ્રેમચંદ્રને કહ્યું હતું કે આ વિધેયકની જોગવાઈઓ ગ્રાહકો અને ખેડૂતોનાં હિતોની વિરુદ્ધ છે. આ વિધેયકથી ખાનગી ક્ષેત્રની કંપનીઓને વીજ ક્ષેત્રે નફો કરવાની તક મળશે. તેમણે આ વિધેયક બાબતે રાજ્ય સરકારો સાથે વિચારવિમર્શ કરવાની વાત કરી હતી. આ વિધેયકામાં વીજ અને વિતરણમાં કેન્દ્રની ભૂમિકા ઓછી કરવાની માગ કરવામાં આવી છે.
તામિલનાડુ સરકાર છેલ્લાં ઘણાં વર્ષોથી ખેડૂતોને મફત વીજળી આપી રહી છે અને આ સુધારા બિલ ગરીબ ખેડૂતો પર પ્રતિકૂળ અસર પાડશે, એમ બાલુએ કહ્યું હતું. જોકે વીજપ્રધાને કહ્યું હતું કે વિરોધ પક્ષના લોકો આ બિલ સામે નકારાત્મક એજન્ડા ચલાવી રહ્યા છે.