‘લોકસભા-વિધાનસભા ચૂંટણીઓ સાથે યોજવા પ્રશાસન તૈયાર’

મુંબઈઃ દેશમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓ અલગ અલગ સમયને બદલે એક સાથે યોજવી જોઈએ એ મુદ્દે હાલ દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. અનેક ચૂંટણીઓ યોજવા પાછળ થતો અઢળક ખર્ચો બચાવવા માટે બધી ચૂંટણીઓને એક સાથે યોજવાનું કરી દેવું જોઈએ એવી માગણીઓ થઈ રહી છે. મહારાષ્ટ્રના વડા ચૂંટણી અધિકારી શ્રીકાંત દેશપાંડેને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું છે કે દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે જ યોજવા માટે ચૂંટણી પંચ અને પ્રશાસન બંને તૈયાર છે.

દેશપાંડેએ કહ્યું કે, કોઈ પણ ચૂંટણી એક મહિનામાં યોજી શકાતી નથી. એની તૈયારી માટે ઘણો સમય લાગતો હોય છે. ચૂંટણી પંચ તો લોકસભા અને રાજ્ય વિધાનસભાઓ, બંનેની ચૂંટણીઓ સાથે જ યોજવા સજ્જ છે.