નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આજે અહીં વિધાનસભામાં એમના સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર રીતે શાબ્દિક પ્રહારો કર્યા હતા. એમણે કહ્યું કે, ‘જે દિવસે મોદી વડા પ્રધાન પદ પર નહીં રહે તે દિવસથી આખો દેશ ભ્રષ્ટાચારથી મુક્ત થઈ જશે. જે દિવસે મોદી સરકાર સત્તા પરથી દૂર થશે તે પછી ભાજપના અનેક નેતાઓએ જેલમાં જવું પડશે. એ પછી દેશ ભ્રષ્ટાચાર મુક્ત થઈ જશે.’ કેજરીવાલે સરકારી તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવાનો કેન્દ્ર સરકાર પર આરોપ મૂક્યો છે.
કેજરીવાલે એમ પણ કહ્યું કે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ અને સીબીઆઈ જેવી સંસ્થાઓ વિરોધપક્ષોના નેતાઓને બંદૂક બતાવીને કહે છે, ભાજપમાં પ્રવેશ કરવો છે કે જેલમાં ચક્કી પીસવી છે. ભાજપમાં સામેલ થયા બાદ કોઈ પણ ભ્રષ્ટ નેતાના તમામ પાપ ધોવાઈ જાય છે. કોંગ્રેસે 75 વર્ષમાં લૂંટ ચલાવી હતી, આ લોકોએ સાત વર્ષમાં બેફામ થઈને લૂંટ ચલાવી છે.