નવી દિલ્હીઃ સરકારે કોરોના વાઇરસની બે રસીઓને નિયમનકારી મંજૂરીઓ આપી છે, ત્યારે સરકારે એ રસીને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, એમ ઉચ્ચ સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે આવતા સપ્તાહના અંતમાં લોકોને રસી આપવાનું શરૂ કરવામાં આવે એવી શક્યતા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સામે વિશ્વની સૌથા મોટી ઇનોક્યુલેશન (રસીકરણ) ડ્રાઇવ માટે વૈજ્ઞાનિકો અને ટેક્નિશિયન્સની પ્રશંસા કરતા કહ્યું હતું કે દેશને તેમના પર ગર્વ છે.
ડ્રગ્સ કન્ટ્રોલર ઓફ ઇન્ડિયા (DGCI)એ સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઉત્પાદિત ઓક્સફર્ડ કોવિડ-19 રસી કોવિશિલ્ડને ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી આપી હતી, જેથી રસીકરણનો માર્ગ મોકળો થયો હતો. જોકે આ રસકરણ અસામાન્ય પરિસ્થિતિમાં ઉપયોગ કરવા માટે ભલામણ કરવામાં આવી હતી, કેમ કે આ રસી હજી ક્લિનિકલ ટ્રાયલ મોડમાં છે, એમ એઇમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારત બાયોટેકની રસી કોવાક્સિનને બેકઅપ તરીકે મંજૂરી આપવામાં આવી છે. સરકાર પ્રારંભના તબક્કામાં આશરે 30 કરોડ લોકોને રસી આપવાનું વિચારી રહી છે, એ અહેવાલ કહે છે.
ભારત બાયોટેક પાસે કોવાક્સિનના 20 કરોડ ડોઝનો સ્ટોક છે અને કંપની હૈદરાબાદમાં અને બેંગલુરુમાં સ્થિત ઉત્પાદન એકમમાં 70 કરોડ રસીના ડોઝનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય ધરાવે છે. કંપનીએ ઉત્પાદિત કરેલા 20 કરોડ ડોઝમાંથી 50 લાખનો રસીનો જથ્થો કસૌલીની સરકારી લેબમાં ટેસ્ટિંગ માટે મોકલશે. કંપનીએ કોવાક્સિનનો બીજો ડોઝ ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ માટે 6000 લોકોએ આપવામાં આવશે, એમ કંપનીના સ્થાપક ડો. કૃષ્ણા એલાએ જણાવ્યું હતું.