દરેક ખોટી દોડમાં દેશ આગળ છેઃ રાહુલ ગાંધીનો કટાક્ષ

નવી દિલ્હીઃ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વાઇરસના સંક્રમણને મામલામાં સતત થઈ રહેલા વધારા અને GDP વિકાસ દરમાં ભારે ઘટાડાને લઈને સરકાર પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે વર્તમાન સમયમાં દેશ દરેક ખોટી દોડમાં આગળ છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે મોદી સરકાર દેશને સંકટમાં ધકેલીને સમાધાન શોધવાને બદલે આંખ આડા કાન કરી દે છે. દરેક ખોટી દોડમાં દેશ આગળ છે-કોરોના સંક્રમણના આંકડા હોય કે પછી GDPમાં ઘટાડો હોય.

રાહુલ ગાંધી મોદી સરકાર પર આ પહેલાં પણ કટાક્ષ કરી ચૂક્યા છે. તેમણે GST,યુવાનો અને અર્થતંત્રને લઈને સરકાર પર પ્રહારો કર્યા હતા.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં એક દિવસમાં કોરોનાના 90,802 કેસ સામે આવ્યા પછી દેશમાં કુલ દર્દીઓની સંખ્યા 42,04,613 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં 1016 લોકોનાં મોત સાથે આ વાઇરસથી અત્યાર સુધી 71,642 લોકોનાં મોત થયાં છે.