કેન્દ્રનું કોવિડ-19 ઇમર્જન્સી પેકેજ

નવી દિલ્હીઃ કોરોના વાઇરસ સંક્રમિત લોકોની સંખ્યા દેશમાં સતત વધી રહી છે. આવામાં કોરોનાથી લડવા માટે કેન્દ્ર સરકારે રાજ્યોની મદદ કરવા માટે પગલાં ભર્યાં હતાં. કેન્દ્ર સરકારે રાજ્યોની હેલ્થ સિસ્ટમમાં સુધારો કરવાના ઇરાદાથી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પૂરું ફંડ આપવાની મંજૂરી આપી હતી. આના માટે કેન્દ્ર સરકારે કોવિડ-29 ઇમર્જન્સી રિસ્પોન્સ એન્ડ હેલ્થ સિસ્ટમ પ્રિપેર્ડનેસ પેકેજ (COVID-19 Emergency Response and Health System Preparedness Package) જાહેર કર્યું હતું.

 

કેન્દ્ર સરકારે રાજ્યોને પૂરેપૂરું ફંડ આપશે

આ પેકેજમાં કેન્દ્ર સરકાર દ્વારા પૂરેપૂરું ફંડ આપવામાં આવશે. નેશનલ હેલ્થ મિશનના ડિરેક્ટર વંદના ગુરનાની એ એક સરક્યુલર જારી કરીને કહ્યું હતું કે 100 ટકાના સેન્ટ્રલ પ્રોજેક્ટને જાન્યુઆરી, 2020થી માર્ચ, 2024 સુધી ત્રણ તબક્કામાં એને લાગુ કરવામાં આવશે.

કોરોના વાઇરસની તમામ સારવાર માટે નાણાકીય મદદ

આ પ્રોજેક્ટ હેઠળ કોરોના વાઇરસ સંક્રમિત લોકોની સારવાર કરવી, તેમને ક્વોરાન્ટાઇન કરવા અને રાષ્ટ્રીય અને રાજયોની હેલ્થ સિસ્ટમને મજબૂત કરવી. એ સાથે આમાં મેડિકલ ઉપકરણો, દવાઓની ખરીદી, લેબોરેટરી બનાવવી અને બાયો-સિક્યોરિટીની તૈયારી સહિત દેખરેખની કામગીરીને મજબૂત કરવી સામેલ છે.

આ સરક્યુલર દેશનાં બધાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો હેલ્થ કમિશનર્સને મોકલવામાં આવ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે રાજ્યો માટે તત્કાળ ફંડ જારી કરવામાં આવી રહ્યું છે.

ત્રણ તબક્કામાં રાજ્યોને મદદ

પહેલા તબક્કામાં લાગુ થનારી મુખ્ય કામગીરીમાં કોવિડ-19 હોસ્પિટલોને વધારવી અને અન્ય હોસ્પિટલોને વિકસિત કરવી. એ સાથે આઇસોલેશન રૂમ્સ, વેન્ટિલેટર્સની આ સાથે ICU, હોસ્પિટલોમાં ઓક્સિજનનો પર્યાપ્ત પુરવઠો રાખવો, હોસ્પિટલોમાં લેબોરેટરીઓને આધુનિક બનાવવી. આ સાથે પહેલા તબક્કામાં લેબોરેટરી અને એમ્બ્યુલન્સ પણ વધારવામાં આવશે.

અહેવાલ મુજબ કેન્દ્રીય પેકેજથી રાજ્યમાં સુરક્ષા ઉપકરણ (PPE), N95 માસ્ક અને વેન્ટિલેટર ખરીદવામાં મદદ કરવામાં આવશે. આની કેન્દ્ર સરકાર દ્વારા ખરીદી કરીને જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવશે.

આ પ્રોજેક્ટના ત્રણ તબક્કા છે. પહેલો તબક્કો એક જાન્યુઆરી, 2020થી જૂન, 2020 સુધી હશે. બીજો તબક્કો જુલાઈ,2020થી માર્ચ, 2021 અને ત્રીજો તબક્કો એપ્રિલ, 2021થી માર્ચ, 2024 સુધી રહેશે