નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસથી પાકિસ્તાન દ્વારા સતત કરવામાં આવી રહેલી નિવેદનબાજી વચ્ચે સેના પ્રમુખ બિપિન રાવતે પલટવાર કર્યો છે. સેના પ્રમુખે જણાવ્યું કે પાકિસ્તાન એક ઈસ્લામિક સ્ટેટ બની ગયું છે. જો તે ભારત સાથે સારો તાલમેલ રાખવા ઈચ્છે છે તો તેને ફરીથી એક સેક્યુલર દેશ બનવું પડશે. અમે એક સેક્યુલર દેશ છીએ.
સેના પ્રમુખ બોલ્યા કે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને જણાવ્યું છે કે તમે એક ડગલું આગળ વધો અમે બે ડગલા આગળ વધીશું. પરંતુ તેમનું એક પગલું સકારાત્મક રહ્યું અને તેની અસર જોવા મળી તો જ કંઈક થઈ શકે તેમ છે. આતંકવાદ અને વાતચીત એક સાથ ન થઈ શકે. તેમણે કહ્યું કે ઈમરાન જે જર્મની-ફ્રાંસ સંબંધોની વાત કરી રહ્યા છે તે આ સ્થિતીમાં સંભવ નથી.
ઉલ્લેખનીય છે કે કતારપુર સાહિબ કોરિડોરના શિલાન્યાસ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ભાષણ આપ્યું જેમાં તે ભારતને શાંતિનો સંદેશ આપવાની કોશિષ કરી રહ્યા હતા. અને તેના પ્રત્યુત્તરમાં સેના પ્રમુખે તેમણે કડક જવાબ આપ્યો છે.
ઈમરાન ખાને જણાવ્યું હતું કે જો બંન્ને દેશોની નફરતોને મીટાવવી હોય તો નિર્ણય કરીને આગળ વધવું પડશે. તેમણે જણાવ્યું કે માત્ર વિચારવાથી આવું નહી થઈ શકે.
આપને જણાવી દઈએ કે કરતારપુર કોરિડોરના શિલાન્યાસ દરમિયાન પાકિસ્તાને ભારતના વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ અને પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહને નિમંત્રણ આપ્યું હતું. જો કે સુષમા સ્વરાજ અને કેપ્ટન અમરિન્દરે પાકિસ્તાનના આ આમંત્રણનો અસ્વિકાર કર્યો હતો. ભારત દ્વારા કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌર બાદલ અને હરદીપ સિંહ પુરી પાકિસ્તાન ગયા હતા.