આફ્રિકન યુનિયન G20માં સ્થાયી સભ્ય તરીકે સામેલ

નવી દિલ્હીઃ આફ્રિકન યુનિયનને G20માં સ્થાયી સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યું છે.  આ ભારતની એક મોટી સિદ્ધિ છે. કારણ કે તેના દ્વારા ન ફક્ત ભારતને આફ્રિકી દેશોને પણ આગળ વધવાનો મોકો મળશે. એ સાથે જ આફ્રિકી દેશો વચ્ચે ભારતનો વિશ્વાસ વધશે. ભારત સતત ગ્લોબલ સાઉથનો અવાજ બનાવવાની વાત કરતું આવ્યું છે અને આફ્રિકી યૂનિયનને સદસ્યતા અપાવીને ભારતે આજે સાચા અર્થમાં ગ્લોબલ સાઉથ લીડર બની ગયું છે.

G-20 સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોરોક્કોમાં ભૂકંપના પીડિતોને શ્રદ્ધાંજલિ આપીને G20 સમિટમાં પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમે દુઃખની ઘડીમાં તેમની સાથે છીએ. વિશ્વમાં વિશ્વાસનું સંકટ ઊભું થયું છે. 21મી સદી દુનિયાને એક નવી દિશા આપવા જઈ રહી છે. આ પછી તેમણે આફ્રિકન યુનિયનને G20નું કાયમી સભ્ય બનાવવાનો પ્રસ્તાવ પાસ કર્યો હતો. આ મામલે સમિટમાં પહોંચેલા આફ્રિકન યુનિયનના વડા અજાલી અસોમાની PMને ભેટી પડ્યા હતા. એ પહેલાં ભારત મંડપમ પહોંચેલા સભ્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષને PM મોદીએ આવકાર્યા હતા.

તેમણે કહ્યું હતું કે કોરોના પછી વિશ્વમાં વિશ્વાસનું સંકટ ઊભું થયું. યુક્રેન યુદ્ધે આ સંકટને વધુ ઘેરુ બનાવ્યું. જ્યારે આપણે કોરોનાને હરાવી શકીએ છીએ તો પરસ્પર ચર્ચા દ્વારા વિશ્વાસના આ સંકટને પણ દૂર કરી શકીએ છીએ. આ સમય બધાએ સાથે મળીને આગળ વધવાનો છે.