કશ્મીરમાં આતંકીઓનો ડબલ એટેક: પુલવામામાં 2 જવાન શહીદ, અનંતનાગમાં 10 ઘાયલ

શ્રીનગર- દક્ષિણ કશ્મીરમાં આજે સવારે આતંકીઓએ બે અલગ અલગ જગ્યાઓ પર હુમલા કર્યા હતા. જેમાં પુલવામા અને અનંતનાગમાં ડબલ આતંકી એટેક કરવામાં આવ્યા હતા. આતંકીઓ દ્વારા કરવામાં આવેલા  હુમલામાં પુલવામામાં બે પોલીસકર્મી શહીદ થયા હતા. બીજી તરફ અનંતનાગમાં CRPFના 10 જવાન ઘાયલ થયા હતા. ઘાયલ જવાનને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ પુલવામાના કોર્ટ પરિસરમાં આવેલા પોલીસ ગાર્ડ પોસ્ટ પર આજે સવારે આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં બે પોલીસકર્મી શહીદ થયા હતા. અને ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. હુમલા બાદ આતંકીઓ પોલીસના હથિયાર લઈને ફરાર થઈ ગયા હતા. આતંકીઓને શોધવા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરુ કરી દેવામાં આવ્યું છે.

અનંતનાગમાં CPRFના 10 જવાન ઈજાગ્રસ્ત

બીજી તરફ અનંતનાગમાં પણ આતંકવાદીઓ દ્વારા CRPFની કંપની પર હુમલો કરવામાં આવ્યો હતો. આતંકીઓએ અનંતનાગના જંગલાત મંડી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી CRPFની કંપની ઉપર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ હુમલામાં CRPFના 10 જવાનો ઘાયલ થયા હતા. જેને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં એક જવાનની હાલત નજુક જણાવાઈ રહી છે.

આપને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે, રમઝાન મહિનામાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન નહીં ચલાવવામાં આવે. ભારત સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જો આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવશે તો જવાબી કાર્યવાહી કરવા સુરક્ષા દળો સ્વતંત્ર છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે રાજ્યની મહેબૂબા મુફ્તી સરકારની માગ પર જમ્મુ-કશ્મીરમાં સશર્ત યુદ્ધવિરામનો આદેશ આપ્યો હતો.