શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ સોપોરના આરામપોરામાં પોલીસ અને CRPFની સંયુક્ત ટીમ પર હુમલો કર્યો હતો. કાશ્મીરના આઇજી વિજયકુમારે જણાવ્યું હતું કે સોપોરમાં આતંકવાદી કુમલામાં બે પોલીસ કર્મચારી અને બે અન્ય પોલીસ કર્મચારી ઘાયલ થયા છે. આ હુમલા પાછળ લશ્કર-એ-તૈયબા છે.
આ હુમલા પછી સિક્યોરિટી ફોર્સે સંપૂર્ણ વિસ્તારને ચારે બાજુથી ઘેરી લીધો છે. અહીંથી આતંકવાદીઓને નીકળવું મુશ્કેલ છે. ફોર્સે ચારે બાજુ તપાસ શરૂ કરી છે. આસપાસના બધાં નાકાંને સીલ કરી દીધાં હતા.
લશ્કર-એ-તૈયબાએ હુમલો કર્યો
આઇજી વિજય કુમારે જણાવ્યું હતું કે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં બે સ્થાનિક લોકોને પણ ગોળી વાગી હતી, જેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આઇજીએ જણાવ્યું હતું કે હુમલો લશ્કર-એ-તૈયબાએ કર્યો હતો.
આ પહેલાં શુક્રવારે જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓએ સુરક્ષા દળોની ચેક પોસ્ટ પર હુમલો કર્યો હતો. જોકે કોઈ પણ પ્રકારના જાનમાલના નુકસાનના અહેવાલ નથી. અજાણ્યા હુમલાખોરોએ અહીં ભારે ફાયરિંગ કર્યું હતું, ત્યારબાદ સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી. સૈનિકોની કાર્યવાહી બાદ હુમલાખોરો સ્થળ પરથી નાસી ગયા હતા.
નેશનલ કોન્ફરન્સના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લાએ સોપોર આતંકવાદી હુમલાની નિંદા કરી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે સોપોરમાં ભયાનક ઘટનાના સમાચાર આવી રહ્યા છે. આવા હુમલાઓની નિંદા કરવી જોઈએ. આ હુમલામાં ઘાયલ થયેલા માટે પ્રાર્થના અને મૃતકોના પરિવારો પ્રતિ સંવેદના વ્યક્ત કરું છું.