અમરનાથ યાત્રીઓ પર આતંકી હુમલો નિષ્ફળ બનાવાયો

શ્રીનગરઃ જમ્મુ અને કશ્મીરના પોલીસતંત્રએ ગઈ કાલે એક ત્વરિત પગલું ભરીને શ્રીનગરમાં બે આતંકવાદીને ખતમ કર્યા હતા. એમાંનો એક પાકિસ્તાની હતો. બંને આતંકવાદીએ આગામી અમરનાથ યાત્રા પર હુમલો કરવાનો પ્લાન ઘડ્યો હતો. આ કામ એમને પાકિસ્તાનસ્થિત આતંકી કાવતરાખોરોએ સોંપ્યું હતું એવી પોલીસને બાતમી મળી હતી. જમ્મુ-કશ્મીરના પોલીસ જવાનોએ શ્રીનગરના બેમીના વિસ્તારમાં એમને ઠાર માર્યા હતા.

કશ્મીરના ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ વિજયકુમારના જણાવ્યા મુજબ, એક આતંકવાદીનું નામ આદિલ હુસૈન મીર હતું. એ કશ્મીર વિભાગના અનંતનાગ જિલ્લાના પહલગામનો રહેવાસી હતો. જ્યારે બીજો આતંકવાદી પાકિસ્તાનના ફૈસલાબાદ શહેરનો વતની અબ્દુલ્લા ઘોરી હતો. એમના મૃતદેહ પાસેથી મળી આવેલા દસ્તાવેજો અને બીજી વાંધાજનક ચીજવસ્તુઓ પરથી એની ઓળખ મળી હતી. બંને જણ એક આતંકવાદી જૂથના સભ્યો હતા. ગઈ 6ઠ્ઠી જૂને કશ્મીરના સોપોરમાં પોલીસ સાથેની અથડામણમાં હંઝાલા નામનો પાકિસ્તાની ત્રાસવાદી માર્યો ગયો, પણ આદિલ હુસૈન અને અબ્દુલ્લા ઘોરી ભાગી જવામાં સફળ થયા હતા. તેઓ નિયંત્રણ રેખા ઓળંગીને પાકિસ્તાનમાં ભાગી ગયા હતા. ત્યાં પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીરમાં લશ્કર-એ-તૈબા સંગઠનના કમાન્ડર અબુ હુરીયારાએ બંનેને અમરનાથ યાત્રા પર હુમલો કરવાનું કામ સોંપીને પાછા કશ્મીરમાં મોકલ્યા હતા.