ફૂડ ડિલીવરી કંપનીઓ (સ્વિગી, ઝોમેટો)ને સરકારનો આદેશ

નવી દિલ્હીઃ સ્વિગી અને ઝોમેટો જેવી ઓનલાઈન ફૂડ ડિલીવરી બિઝનેસ ઓપરેટરોને કેન્દ્ર સરકારે આદેશ આપ્યો છે કે ગ્રાહક ફરિયાદ નિવારણ યંત્રણામાં કેવી રીતે સુધારો લાવશે તે દર્શાવતી યોજના તેઓ 15 દિવસની અંદર સરકારને સુપરત કરે. આવી કંપનીઓ વિરુદ્ધ ગ્રાહકોની ફરિયાદો વધી રહી હોવાથી સરકારે કંપનીઓને આવો આદેશ આપ્યો છે.

ગ્રાહકોની બાબતોના વિભાગે ઈ-કોમર્સ ફૂડ બિઝનેસ ઓપરેટર્સને આદેશ આપ્યો છે કે એમણે ગ્રાહકોને ઓર્ડરની રકમમાં સામેલ કરાયેલા તમામ ચાર્જિસની વિગત (બ્રેકઅપ) પારદર્શક રીતે દર્શાવવા, જેમ કે ડિલીવરી ચાર્જિસ, પેકેજિંગ ચાર્જિસ, કરવેરા, વધારેલી કિંમત વગેરે. તદુપરાંત, ગ્રાહક ફરિયાદ નિવારણ યંત્રણામાં કંપનીઓ કેટલો સુધારો કરી શકે એમ છે એ દર્શાવતી યોજના તેઓ 15 દિવસની અંદર આ વિભાગને સુપરત કરે. ગ્રાહકોની બાબતોના વિભાગના સેક્રેટરી રોહિતકુમાર સિંહના વડપણ હેઠળ મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.