દેશભરમાં ભડકેલી હિંસા માટે ઓવૈસી, મદની જવાબદારઃ કાઝમી

નવી દિલ્હીઃ પયગમ્બર મોહમ્મદસાહેબની સામે નૂપુર શર્માના અપમાનજનક નિવેદનના વિરોધમાં 10 જૂને જુમ્માની નમાજ પછી થયેલા વિરોધ-પ્રદર્શન દરમ્યાન 12 રાજ્યોમાં હિંસા ભડકી ગઈ છે. દેશના મુખ્ય ઇસ્લામી સંગઠન જમાતે ઉલેમા-એ-હિન્દે આ હિંસા માટે AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસી અને જમાતે ઉલેમા-એ-હિન્દના બીજા બીજા ભાગના અધ્યક્ષ મૌલાના અરશદ મદનીને જવાબદાર ઠેરવ્યા છે.

જમાતના અધ્યક્ષ સુહૈબ કાસમીએ કહ્યું હતું કે અમે અસદુદ્દીન ઓવૈસી અને મૌલાના મદની સામે ફતવો જારી કરીશું. આ નેતાઓએ યુવાઓને ભડકાવ્યા હતા. તેમનાં નિવેદનોથી યુવાનોને ભડકાવવાનો હેતુ હતો. દેશભરમાં થયેલી હિંસામાં સામેલ આરોપીઓ સામે કાર્યવાહી જારી છે, પણ પ્રયાગરાજથી માંડીને રાંચી સુધી હિંસાનું એક મોડ્યુલ સામે આવ્યું છે. આ હિંસામાં દેશને તોડવાનું ષડયંત્ર કરવાવાળાના હાથ લાગે છે. ઓવૈસી મુસ્લિમોને નામ મલાઈ ખાઈ રહ્યા છે. દેશની હાલની સરકારમાં ઓવૈસીની કમાણી નથી થઈ રહી. મૌલાના અરશદ મદની ઇન્ડિયન મુસ્લિમ સ્કોલર અને દારૂલ ઉલૂમ દેવબંદના પ્રધાનાર્ચાર્ય છે. તેઓ જમાત-ઉલેમા-એ-હિન્દના આઠમા અધ્યક્ષ બન્યા છે. જોકે 2008માં સંગઠન બે ભાગમાં વહેંચાયું હતું.

યુપીના પ્રયાગરાજમાં થયેલી હિંસાના માસ્ટરમાઇન્ડ જાવેદનું ઘર જમીનદોસ્ત કરવામાં આવ્યું છે. વરિષ્ઠ પોલીસ અધિકારી અજયકુમારે જણાવ્યા મુજબ જાવેદનું ઘર ધ્વસ્ત કરવામાં આવ્યા પછી કરવામાં આવેલી તપાસમાં કેટલોક વાંધાજનક સામાન મળ્યો છે. બીજી બાજુ, મુસ્લિમ રાષ્ટ્રીય મંચે પણ વિરોધ-પ્રદર્શન પછી ભડકેલી હિંસાની નિંદા કરી છે, મંચે આ હિંસામાં ભાગ લેનારા લોકોને ઇસ્લામમાંથી બહાર કરવાની માગ કરી છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]