નવી દિલ્હીઃ દેશમાં ઘઉં અને ચોખાની કિંમતને નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્ર સરકારે મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. તેણે ખુલ્લા બજારમાં અતિરિક્ત 50 ટન ઘઉં અને 25 લાખ ટન ચોખાને વેચાણ માટે મૂક્યા છે. ખાદ્ય મંત્રાલયના સચિવ સંજીવ ચોપરાના જણાવ્યા મુજબ, હાલ દેશમાં ઘઉં અને ચોખાના ભાવ વધી ગયા છે. તેથી ગ્રાહકોને રાહત આપવાનું સરકારે નક્કી કર્યું છે. ગયા અમુક મહિનાઓમાં પણ સરકારે આ જ રીતે ખુલ્લા બજારમાં અતિરિક્ત 15 લાખ ટન ઘઉં અને પાંચ લાખ ટન ચોખા વેચાણ માટે મૂક્યા હતા. ખુલ્લા બજારોમાં ઘઉં, ચોખાનો પુરવઠો જળવાઈ રહે અને ભાવ નિયંત્રણમાં રહે એટલા માટે સરકાર અતિરિક્ત જથ્થો વેચાણમાં મૂકતી હોય છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં ઘઉં અને ચોખાનો મબલખ પુરવઠો ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકાર હસ્તકની એફસીઆઈ (ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા)ના ગોદામોમાં બફર સ્ટોકમાં ઘઉં 87 લાખ ટન છે અને ચોખા 217 લાખ ટન છે.
ભાવ વધવાનું કારણ શું?
રશિયાએ તેના પડોશી દેશ યૂક્રેન પર આક્રમણ કરતાં દુનિયાભરમાં અનાજની કિંમતમાં ઉછાળો આવ્યો છે. બીજી બાજુ, દેશમાં ચોમાસાની નબળી અસર અને કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનને કારણે ઘઉં અને ચોખાની કિંમતમાં ગયા જૂન મહિનાથી વધારો થઈ રહ્યો છે. કૃષિ બજારોમાં ઘઉંની કિંમત 18 ટકા વધી ગઈ છે. તે છેલ્લા છ મહિનામાં સૌથી ઉંચા સ્તરે છે.