નવી દિલ્હીઃ ભૂતપૂર્વ સાંસદ અશોક તંવર હરિયાણાના વિશ્લેષકોને હેરાન કરતાં ગુરુવારે અચાનક કોંગ્રેસમાં પરત ફર્યા હતા. તેમના આ પગલાનો કોઈને પણ અંદાજ નહોતો, પરંતુ હવે જ્યારે તેઓ આવી ચૂક્યા છે, ત્યારે પક્ષમાં સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે ભૂતૂપૂર્વ CM ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા શું તેમનાથી નારાજ છે?
નિશ્ચિત રૂપે અશોક તંવરના અચાનક પાલા બદલવાથી હરિયાણા રાજકારણમાં એક મોટો ઘટનાક્રમ છે. કોંગ્રેસમાં પરત સામેલ થવાના એક કલાક પહેલાં અશોક તંવર હરિયાણામાં ભાજપ માટે ચૂંટણીપ્રચાર કરી રહ્યા હતા.એક મંચ પર રાહુલ ગાંધીની હાજરીમાં ભૂપેન્દર સિંહ હુડ્ડાએ તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યુ, ત્યારે તેમણે તંવર સાથે નજર સુધ્ધાં નહોતી મેળવી અને બંને વચ્ચે કોઈ ખાસ વાતચીત નહોતી થઈ, જેથી સંકેત શુભ નથી. હુડ્ડા તંવરના કોંગ્રેસમાં આવવાથી કંઈ બહુ ખુશ નહોતા જણાતા.
આમે હુડ્ડા હરિયાણા કોંગ્રેસમાં સૌથી મોટા નેતા છે અને તંવર સાથે તેમનો 36નો આંકડો હતો. હુડ્ડા અને તંવરના સમર્થકો વચ્ચે અનેક વાર મારપીટ થઈ ચૂકી છે. હુડ્ડા અને તંવર વચ્ચની જબરદસ્ત લડાઈ કોંગ્રેસમાં ચર્ચાનો વિષય રહી હતી.ભાજપમાંથી જીત્યા છતાં તંવરે પલટી મારી છે તો કોંગ્રેસે તેમને કોઈ મોટું વચન જરૂર આપ્યું હશે, પણ હુડ્ડા અને તંવરના જૂના સંબંધોને જોતાં કહી ના શકાય કે તંવરને હરિયાણા કોંગ્રેસમાં કામ કરવાની સ્વતંત્રતા મળશે, કેમ કે હુડ્ડાને કારણે તંવરને કોંગ્રેસ છોડવી પડી હતી. બીજી બાજુ, હુડ્ડાની મરજી અને તેમને વિશ્વાસમાં લીધા વગર કોઈ બીજા નેતાને ખુરશી પર બેસાડવા એ કોંગ્રેસ માટે સરળ નહીં હોય.