નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણમાં ઇન્દોર અને સુરતને દેશનાં સૌથી સ્વચ્છ શહેર તરીકે ચૂંટી કાઢ્યાં છે. જ્યારે નવી મુંબઈ ત્રીજા સ્થાને રહ્યું છે. આ સર્વેક્ષણના પરિણામોમાં આ માહિતી આપવામાં આવી હતી. સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ 2023માં શાનદાર દેખાવ કરવાવાળાં રાજ્યોની શ્રેણીમાં મહારાષ્ટ્રે પહેલું સ્થાન હાંસલ કર્યું છે, જેના પછી મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ રહ્યાં છે. ઇન્દોરને સતત સાતમી વાર સૌથી સ્વચ્છ શહેર નો એવોર્ડ મળ્યો છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં સ્વચ્છતા સર્વેક્ષણ પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પહેલી વખત ઈન્દોરની સાથે-સાથે સુરત મહાનગર પાલિકા પણ સંયુક્ત રીતે દેશમાં પ્રથમ નંબર મેળવવામાં સફળ રહ્યું છે. અલગ-અલગ કેટેગરીમાં સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ ભગીરથ અને પરિણામલક્ષી કામગીરીને પગલે જ આ વખત સુરત મહાનગરપાલિકા દેશભરનાં સૌથી સ્વચ્છ શહેરોમાં અવ્વલ નંબર મેળવવામાં સફળ રહ્યું છે.
https://twitter.com/airnewsalerts/status/1745365808807833611
કેન્દ્ર સરકાર દ્વારા નવી દિલ્હીમાં ભારત મંડપમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની હાજરીમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં ભાગ લેનારાં તમામ શહેરોના રેન્ક જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં પહેલી વખત સુરત મહાનગરપાલિકાને પણ પ્રથમ નંબર મળતાં સુરતીઓમાં પણ હર્ષની લાગણી પ્રસરી ગઈ હતી. આ પ્રસંગે સુરતના મેયર દક્ષેશ માવાણી અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને હસ્તે એવોર્ડ સહિત સર્ટિફિકેટ્સ સ્વીકાર્યાં હતાં. સુરત શહેરનો પહેલો નંબર જાહેર થતાં જ સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્ર સહિત શહેરીજનોમાં પણ ઉત્સાહનો આનંદ છવાઈ ગયો હતો.
આ પ્રસંગે મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાના સઘન પ્રયાસો અને સુરતીઓના સહયોગને કારણે સુરત આ વર્ષે પ્રથમ નંબર મેળવવામાં સફળ રહ્યું છે. તેમણે આ પ્રસંગે મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓથી માંડીને અધિકારીઓના પણ ભગીરથ પ્રયાસોની પ્રશંસા કરી હતી.