નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે UAPA કેસમાં ન્યૂઝક્લિકના એડિટર પ્રબીર પુરકાયસ્થની દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલી ધરપકડને ગેરકાયદે બતાવી છે. કોર્ટે તેમને છોડી મૂકવાના આદેશ આપ્યા છે. દિલ્હી પોલીસે ન્યૂઝક્લિકમાં ચીની ફન્ડિંગથી ભારતવિરોધી કામગીરીના આરોપમાં પુરકાયસ્થની ધરપકડ કરી હતી. ત્યાર બાદથી તેઓ જેલમાં હતા. પુરકાયસ્થએ દિલ્હી પોલીસ દ્વારા તેમની ધરપકડ અને રિમાન્ડને સુપ્રીમ કોર્ટે પડકાર્યા હતા.
સુપ્રીમ કોર્ટે માન્યું હતું કે ચોથી ઓક્ટોબર, 2023એ રિમાન્ડ ઓર્ડર જારી થવા પહેલાં પુરકાયસ્થ અને તેમના વકીલને રિમાન્ડ એપ્લિકેશનની કોપી નહોતી સોંપવામાં આવી હતી. તેમની ધરપકડનું કારણ તેમને લેખિતમાં નહોતું જણાવવામાં આવ્યું. કોર્ટે પુરકાયસ્થની ધરપકડ અને રિમાન્ડને કાયદાની નજરે ગેરકાયદે ગણાવી હતી અને છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો.
જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાએ આ મામલે 30 એપ્રિલે સુનાવણી પૂરી કરી લીધી હતી. પુરકાયસ્થ ગયા વર્ષે ત્રીજી ઓક્ટોબરથી UAPA હેઠળ જેલમાં હતા. કોર્ટમાં પુરકાયસ્થની તરફથી કપિલ સિબ્બલે દલીલો મૂકી હતી.
દિલ્હી પોલીસની FIR મુજબ દેશની અખંડિતતાને તોડવા અને દેશની વિરુદ્ધ અસંતોષ પેદા કરવા માટે ન્યૂઝ પોર્ટલને મોટી રકમ ચીનથી મળી હતી. દિલ્હી પોલીસનો આરોપ છે કે પુરકાયસ્થે 2019ની લોકસભા ચૂંટણી દરમ્યાન ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોચાડવા માટે એક ગ્રુપે –પીપલ્સ અલાયન્સ ફોર ડેમોક્રસી એન્ડ સેક્યુલરિઝમ (PADS)ની સાથે પણ કાવતરું રચ્યું હતું.