નવી દિલ્હી- સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવતા સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને મંજૂરી આપી દીધી છે. કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં મહિલાનું સ્થાન આદરણીય છે. અહીં મહિલાઓને દેવીની જેમ પૂજવામાં આવે છે અને મંદિરમાં પ્રવેશ કરવા ઉપર રોક પણ લગાવવામાં આવે છે.ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ ચુકાદો વાંચતા કહ્યું કે ધર્મના નામે પુરુષવાદી વિચારધારા ઠીક નથી. લીંગભેદના આધાર પર મંદિરમાં પ્રવેશથી રોકવા એ ધર્મ નથી. આપને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય 4-1ની બહુમતીથી આવ્યો છે.
નિર્ણય વાંચતા ચીફ જસ્ટિસે કહ્યું કે, ભગવાન અયપ્પાના ભકત હિન્દુ છે જેથી અલગ ધાર્મિક સંપ્રદાય બનાવવો જોઈએ નહીં. વધુમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સંવિધાનના અનુચ્છેદ 26 અંતર્ગત મહિલાઓના શબરીમાલા મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ યોગ્ય નથી. સંવિધાન ઈશ્વર પૂજામાં ભેદભાવ કરતો નથી.
બીજી તરફ ત્રાવણકોર દેવાસમ બોર્ડના અધ્યક્ષ એ. પદ્મકુમારે કહ્યું છે કે, આ મુદ્દે તેઓ બીજી ધાર્મિક સંસ્થાના પ્રમુખો સાથે ચર્ચા કરશે અને તેમના તરફથી સમર્થન મળ્યા બાદ તેઓ આ ચુકાદા વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરશે.