ગુજરાત ચૂંટણી કવરેજમાં ‘ચિત્રલેખા’એ મેદાન માર્યું, ડિજિપબ વર્લ્ડનો ‘ગોલ્ડ એવોર્ડ’ જીત્યો

અમદાવાદ- હરિયાણાના ગુડગાંવમાં યોજાયેલ ડિજિપબ વર્લ્ડ એવોર્ડની બીજી એડિશનમાં ‘ચિત્રલેખા’એ મેદાન માર્યું છે. ગુજરાત વિધાનસભાની 2017માં યોજાયેલ ચૂંટણીનું તલસ્પર્શી કવરેજ કરવા બદલ બેસ્ટ આર્ટિકલ/વિડિયો સીરીઝ કેટેગરીમાં ‘ચિત્રલેખા ડોટ કોમ’ને ગોલ્ડ એવોર્ડ મળ્યો છે.

‘ચિત્રલેખા’ ડિજિટલ ટીમ વતી આ એવોર્ડ મનન કોટક અને ચિત્રલેખા ડિજિટલ અમદાવાદના પૂર્વ ન્યૂઝ એડિટર ભરત પંચાલે સ્વીકાર્યો હતો.

ડિજિપબ વર્લ્ડના એવોર્ડમાં આ વખતે ગત વર્ષ કરતાં 50 ટકા એન્ટ્રીઓ વધી હતી. તેમાં ભારતીય ભાષાના વિજેતામાં બેસ્ટ આર્ટિકલ/વિડિયો સીરીઝ કેટેગરીમાં સિલ્વર એવોર્ડમાં ટાઈ પડી હતી, આ કેટેગરીમાં સિલ્વર એવોર્ડ નવભારત ટાઈમ્સ( સૂનો ઝિંદગી) અને ધી લલ્લનટોપ( ધી લલ્લનટોપ પોલિટિકલ કિસ્સે)ને મળ્યો હતો. ત્યાર પછી બેસ્ટ આર્ટિકલ/વિડિયો સીરીઝ કેટેગરીમાં ગોલ્ડ એવોર્ડની જાહેરાત થઈ હતી…. એન્ડ ગોલ્ડ એવોર્ડ ગોસ ટુ ચિત્રલેખા (જેમાં ચિત્રલેખાનું નામ જાહેર થયું હતું) ગુજરાતી ભાષામાં ચિત્રલેખાએ ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીનું કવરેજ કર્યું તેને વાચકોએ વધાવ્યું, જેને પરિણામે ચિત્રલેખાને બેસ્ટ આર્ટિકલ/વિડિયો સીરીઝ કેટેગરીમાં ગોલ્ડ એવોર્ડ મળ્યો છે.

 

ડિજિપબ વર્લ્ડ દ્રારા યોજાયેલ એવોર્ડ સમારંભમાં કુલ 17 ગોલ્ડ, 15 સિલ્વર અને 6 વેબસાઈટ ઓફ ધી યરના એવોર્ડ એનાયત કરાયા હતા.

આપને યાદ કરાવી દઈએ કે chitralekha.comમાં ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીમાં તલસ્પર્શી, તટસ્થ અને ચોટદાર કવરેજને આપના સુધી પહોંચાડ્યું હતું, જેમાં આપ વાચકોનો અમને ખૂબ પ્રેમ મળ્યો હતો. Chitralekha.com વેબ પોર્ટલથી માંડીને ફેસબૂક, ટ્વીટર સહિતના સોશિઅલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર વાચકોએ ચૂંટણી કવરેજને વધાવ્યું હતું, જેને પરિણામે જ ચિત્રલેખાએ ગોલ્ડ એવોર્ડ મેળવ્યો છે.

ગોલ્ડ એવોર્ડ સ્વીકારતા ડિજિટલ હેડ મનન કોટક અને અમદાવાદ ડિજિટલ પૂર્વ ન્યૂઝ એડિટર ભરત પંચાલ

ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીના કવરેજમાં અમે મતદારોના મનની વાત રજૂ કરી હતી. સાથે ગુજરાતના સીએમ વિજય રુપાણી, કોંગ્રેસના તે સમયના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, ટેકનોક્રેટ સામ પિત્રોડા, હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, પરેશ રાવલ, મનોજ જોશી, ભાજપના યુવા ધારાસભ્ય જયેશ રાદડિયાના વિડિયો ઈન્ટરવ્યૂ રજૂ કર્યા હતાં. તેની સાથે વિધાનસભાની ચૂંટણીના સમયે 300થી વધુ ન્યૂઝ સ્ટોરી અને ચૂંટણીનું તટસ્થ વિશ્લેષણ કરતાં ફીચર્સ રજૂ કર્યા હતા. વિધાનસભાની ચૂંટણીના બે તબક્કાના મતદાનના દિવસે પોર્ટલ પર લાઈવ કવરેજ અને મતગણતરી(ચૂંટણી પરિણામ)ના દિવસે ચિત્રલેખાના સોશિઅલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર સેકન્ડે સેકન્ડનું લાઈવ કવરેજ અમે આપના સુધી પહોંચાડયું હતું.

અમદાવાદ ડિજિટલ ટીમ

અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વિધાનસભાની ચૂંટણી વખતે પ્રચાર કરવા આવ્યાં ત્યારે તેમણે મોરબી અને ભાભરની જાહેરસભામાં ’ચિત્રલેખા’ના કવરેજને યાદ કર્યું હતું, ચિત્રલેખા મેગેઝિનમાં ઓગસ્ટ 1979ના અંકના ટાઈટલ પેજ પર મોરબી જળતાંડવ- ‘ગંધાતી પશુતા મહેંકતી માનવતા’ને યાદ કર્યું હતું. તે વખતના વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી મોરબીની મુલાકાતે આવ્યાં તે વાત રજૂ કરીને પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની ટીકા કરી હતી. તે સમાચાર ભારતના તમામ અખબારોએ ચમકાવ્યા હતાં, અને ચિત્રલેખાના ટાઈટલ પેજની નોંધ લેવાઈ હતી. તે સાથે તમામ ડિજિટલ મીડિયામાં પણ ચિત્રલેખાના ટાઈટલ પેજના ન્યૂઝ કવર થયાં હતાં.

‘ચિત્રલેખા ડિજિટલ’ ટીમ – મુંબઈ. (ડાબેથી જમણે): કિરણ પટેલ, વિરલ મહેતા, અભિજીત સંતે, મનોજ મોતીવાલા, પ્રશાંત ધુરે

વાચકોનો ‘ચિત્રલેખા’ પ્રત્યનો પ્રેમ જ અમારા માટે ગોલ્ડ એવોર્ડ લઈને આવ્યો છે.