નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે એક વચગાળાનો આદેશ આપીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. મોદી અટક વિશે કરેલી ટિપ્પણી મામલે આ અટક ધરાવતા લોકોની બદનામી થયાના આરોપ સાથે રાહુલ સામે કરાયેલા ક્રિમિનલ માનહાનિના કેસમાં એમને ગુજરાત હાઈકોર્ટે ગુનેગાર ઠેરવતા આપેલા ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતે આજે સ્ટે ઓર્ડર આપ્યો છે.
ભાજપના સુરતમાંના વિધાનસભ્ય પૂર્ણેશ મોદીએ કરેલા માનહાનિના કેસમાં રાહુલને ગુનેગાર જાહેર કરતા નીચલી અદાલતના ચુકાદા સામે સ્ટે ઓર્ડર આપવાનો ગુજરાત હાઈકોર્ટે ઈનકાર કર્યા બાદ રાહુલે હાઈકોર્ટના ઓર્ડરને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે આજે આપેલા ચુકાદાને પગલે લોકસભાનું સભ્યપદ પાછું મેળવવા માટેનો માર્ગ રાહુલ માટે મોકળો થયો છે. ગુજરાતની અદાલતના ચુકાદાને પગલે રાહુલનું સંસદસભ્ય પદ આપોઆપ સસ્પેન્ડ થયું હતું.
સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ – બી.આર. ગવઈ, પી.એસ. નરસિંહા અને સંજયકુમારની બનેલી બેન્ચે આજે તે અપીલ પર સુનાવણી શરૂ કરી હતી. રાહુલ ગાંધી વતી સિનિયર એડવોકેટ મનુ સિંઘવી ઉપસ્થિત થયા હતા. સિંઘવીએ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે ફરિયાદી પૂર્ણેશ મોદીની મૂળ અટક મોદી નથી. આ અટક તેમણે પાછળથી અપનાવી હતી. વળી, રાહુલ ગાંધીએ એમના ભાષણમાં એવા કોઈનું પણ વ્યક્તિગત નામ ઉચ્ચાર્યું નહોતું. મોદી અટકવાળા 13 કરોડ જેટલા લોકોનો એક સમાજ છે. જેમને રાહુલના ભાષણ સામે વાંધો પડ્યો છે તેઓ ભાજપના હોદ્દેદારો છે.