નવી દિલ્હીઃ કોરોના રોગચાળા સામેની લડાઈની વચ્ચે દેશમાં કોવિડ19ની તુલનાએ વધુ લોકોએ આત્મહત્યાઓ કરી હતી, જે છેલ્લાં 10 વર્ષમાં સૌથી વધુ છે. દેશમાં ગયા વર્ષે 1.53 લાખથી વધુ લોકોએ આત્મહત્યા કરી હતી, એમ નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)નો તાજો અહેવાલ કહે છે, જ્યારે દેશમાં આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર કોરોના રોગચાળાને લીધે ગયા વર્ષે 1.49 લાખ લોકોનાં મોત થયાં હતાં.
NCRBના આંકડાથી માલૂમ પડે છે કે આત્મહત્યા પાછળનું સૌથી મોટું કારણ બીમારી હતી, પણ કુલ આત્મહત્યાઓમાં દૈનિક મજૂરોનો હિસ્સો સૌથી મોટો હતો. વર્ષ 2020માં કુલ 37,666 દૈનિક મજૂરોએ આત્મહત્યાઓ કરી હતી, જે કુલ આત્મહત્યાઓનો ચોથો ભાગ છે.
દેશમાં કોરોના રોગચાળાને કારણે લાગેલા લોકડાઉનમાં સૌથી વધુ અસર દૈનિક શ્રમિકોને થઈ હતી. આવકના સ્રોત ગુમાવવાની સાથે તેમને પરિવાર પાસે ઘરે પરત ફરવા માટે પણ પારાવાર મુશ્કેલીઓ પડી હતી.
જોકે કુલ આત્મહત્યાઓમાં 18 ટકા (27,623) લોકોની આત્મહત્યા કરવા માટેનું કારણ બીમારી હતું. ગયા વર્ષે 16,000 લોકોએ બીમારીને લીધે આત્મહત્યાઓ કરી હતી. જ્યારે અન્ય કારણોને લીધે 15,000 લોકોએ આત્મહત્યા કરી હતી.
આ કુલ આત્મહત્યાઓમાં આશરે 71 ટકા (એક લાખથી વધુ) પુરુષોએ આત્મહત્યા કરી હતી, જ્યારે આશરે 45,000 મહિલાઓએ આત્મહત્યા કરી હતી. આ સિવાય 22 ટ્રાન્સજેન્ડરે પણ આત્મહત્યા કરી હતી. આ સિવાય આત્મહત્યા કરનારી કુલ મહિલાઓમાં 50 ટકા ( 22,372) ગૃહિણીઓ હતી, જેનો હિસ્સો 15 ટકા હતી. આ સાથે કમસે કમ 12,526 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી, જ્યારે કૃષિ ક્ષેત્રે 10,677 લોકોએ આત્મહત્યા કરી હતી.