દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના તેજ આંચકા

નવી દિલ્હીઃ દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. બપોરે 2.50 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. નેપાળમાં આવેલા ભૂકંપને કારણે દિલ્હી NCRમાં આંચકા અનુભવાયા હતા. નેપાળમાં ભૂકંપની તીવ્રતા 6.2ની હતી. નેપાળમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. બીજો આંચકો 4.6ની તીવ્રતાનો હતો.

આ ભૂકંપ આંચકાને કારણે લોકો ભયભીત થઈ ગયા હતા અને ઘરોમાંથી બહાર નીકળીને સુરક્ષિત સ્થાનો પર ગયા હતા. અહેવાલો મુજબ આ ભૂકંપના આંચકા ઉત્તર ભારતમાં પણ અનુભવાયા હતા. ઉત્તરાખંડની સાથે ઉત્તર પ્રદેશમાં પણ લોકો સુરક્ષિત સ્થળોએ દોડ્યા હતા. દિલ્હીમાં ભૂકંપની તીવ્રતા 4.6 માપવામાં આવી છે.

નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી અનુસાર આ  ભૂકંપ મંગળવારે બપોરે 2:25 વાગ્યે આવ્યો હતો. તેનું કેન્દ્ર નેપાળમાં હતું. તેની ઊંડાઈ પૃથ્વીની સપાટીથી 10 કિમી ઊંડી હતી.

આ પહેલાં પૂર્વોત્તરનાં ચાર રાજ્યોમાં સોમવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જેમાં આસામ, મેઘાલય, ત્રિપુરા અને ઉત્તર પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. મેઘાલયમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 માપવામાં આવી છે. જોકે અત્યાર સુધી મળેલી માહિતી મુજબ જાન-માલના કોઈ નુકસાનના સમાચાર નથી.

ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા

મેઘાલયમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર અંદાજે 5.2 હતી. ભૂકંપના સૌથી વધુ આંચકા ઉત્તર પશ્ચિમ બંગાળ એટલે કે સિલિગુડી, દાર્જિલિંગ અને કૂચ બિહારમાં અનુભવાયા હતા. ત્રિપુરા અને આસામના ઘણા વિસ્તારોમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.